આગામી સમયમાં ધોલેરા-અમદાવાદને ટ્વિન સિટી તરીકે વિકસાવાશે અને જેના ભાગરૃપે ધોલેરા-અમદાવાદ વચ્ચે ૮ લેન હાઇ વે પણ બનાવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૃપાણી દ્વારા કરવામાં આવી છે. ૩ હજાર કરોડના ખર્ચે ધોલેરાને વિશ્વનું સર્વશ્રેષ્ઠ સ્માર્ટ સિટી બનાવવામાં આવશે. ધોલેરા એસ.આઇ.આર., સ્માર્ટ સિટીમાં કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પીપળી-ધોલેરા વચ્ચેની જળ પરિવહન પાઇપલાઇનના પ્રોજેક્ટનો આજે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા શિલાન્યાસ કરાયો હતો.
આ પ્રસંગે વિજય રૃપાણીએ જણાવ્યું હતું કે, ‘૨૦૧૯ના વર્ષમાં યોજાનારી આગામી વાયબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના રોકાણકારો-ઉદ્યોગકારો સમક્ષ ધોલેરા એસ.આઇ.આર. તેમજ ઇન્ટરનેશનલ સ્માર્ટ સિટીને ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરવામાં આવશે. ધોલેરાની એક સમયની જાહોજલાલી અને શહેરી જીવનને ફરીથી ધબકતું કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. ધોલેરાનો સમગ્ર વિકાસ ૯૦૦ કિલોમીટરના વિસ્તારમાં કરાશે અને તે સિંગાપુર કરતા પણ વધુ હશે.
છેલ્લા દોઢ દાયકામાં મુન્દ્રાનો જે રીતે વિકાસ થયો છે અને સાથે બેચરાજી માંડલ ‘સર’, વડોદરા, હાલોલ, અંકલેશ્વર, દહેજ જેવા વિસ્તારો ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યા છે. હવે ધોલેરા એક નવું મોર પીંછ બનશે. પ્રસ્થાપિત ધોલેરા શહેરમાં ૧૨૦ કિ.મી. પાણીથી ભરેલી કેનાલ તૈયાર કરાશે અને તેમાં વર્ષના ૩૬૫ દિવસ પાણી હશે. વેનિસ સિટી જેમ આ કેનાલનો પરિવહન માટે ઉપયોગ થશે. ધોલેરાને દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર સાથે જોડીને ધોલેરાને વિશ્વનું મોખરાનું શહેર બનાવવામાં આવશે.’
મુખ્યમંત્રીએ આજે ધોલેરા એસ.આઇ.આર.ની સર્વગ્રાહી સમીક્ષા ધોલેરા કેમ્પ સાઇટ પર મુખ્ય સચિવ, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ જોડે ચર્ચા કરી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ જે.એન.સિંહ, ધોલેરા એસ.આઇ.આર.ના સીઇઓ જયપ્રકાશ શિવહરે, કલેક્ટર ડો. વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારી એ.એમ. બાબુ તેમજ વરિષ્ઠ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.