રેપ અને હત્યાના પ્રકરણમાં આરોપીને ૩૦ વર્ષની સજા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ : કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સઇ ગામે જૂન-૨૦૧૨માં છ વર્ષના આશરાની એક ગરીબ બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક અતિમહત્વપૂર્ણ ચુકાદામાં આરોપી દેવા ધના કોળીને ૩૦ વર્ષની કેદની આકરી સજા ફટકારી છે. જો કે, હાઇકોર્ટે આરોપીને નીચલી કોર્ટે ફટકારેલી ફાંસીની સજા ઘટાડી હતી અને તેને મૃત્યુદંડને બદલે ૩૦ વર્ષની આકરી સજા પણ તેના સારા ચાલચલન કે વર્તણૂંકના કિસ્સામાં પણ માફ ના થાય તે પ્રકારે ભોગવવાનો મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો.

કચ્છ-અંજાર સેશન્સ કોર્ટે આરોપીને ફટકારેલી ફાંસીની સજાના કન્ફર્મેશન કેસ અને આરોપી તરફથી સજાને પડકારતી કરાયેલી અપીલ એમ બંનેની સુનાવણી બાદ જસ્ટિસ હર્ષાબહેન દેવાણી અને જસ્ટિસ વી.બી.માયાણીની ખંડપીઠે આ ચુકાદો જાહેર કર્યો હતો. સમગ્ર કચ્છ પંથક સહિત રાજયભરમાં ખળભળાટ જગાવના એવા આ કેસમાં પ્રોસીકયુશન સાથે ફરિયાદ પક્ષ તરફથી મહત્વની દલીલો કરતાં એડવોકેટ મેહુલ મહેતાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સઇ ગામ ખાતે પાદર પાસે ભોગ બનનાર છ વર્ષના આશરાની બાળકી તેની બહેનપણીઓ સાથે રમી રહી હતી ત્યારે આરોપી દેવા ધના કોળી ત્યાં આવ્યો હતો અને બીજી બધી બાળકીઓને ધમકાવી ત્યાંથી કાઢી મૂકી હતી અને તે પીડિત બાળકીને ત્યાંથી નજીકની સીમમાં લઇ ગયો હતો. જયાં તેણે માસૂમ બાળકી પર બેરહમીથી દુષ્કર્મ ગુજારી બાદમાં તેની હત્યા કરી દીધી હતી. આ વાતની જાણ પીડિત બાળકીના દાદાને થતાં તેઓ ગામના માણસોને લઇ ચીથરીયા વાડીની સીમમાં જઇ જાતાં બાળકી લોહીલુહાણ હાલતમાં પડેલી હતી અને તેના ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ થયેલી હતી. જેથી તેમણે આ સમગ્ર મામલે રાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદી તરફથી એડવોકેટ મેહુલ મહેતાએ હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોર્યું હતું કે, આરોપી ખૂબ જ ગંભીર પ્રકારના અને  સમાજમાં ફિટકારની લાગણી જન્માવતાં અત્યંત ઘૃણાસ્પદ દુષ્કર્મ અને નિર્દોષ માસૂમ બાળકીની હત્યાના કેસમાં સંડોવાયેલો છે. આ એક રેરેસ્ટ ઓફ ધ રેર કેસની વ્યાખ્યામાં આવતો કેસ હોઇ હાઇકોર્ટે આરોપીને આકરામાં આકરી સજા ફટકારવી જોઇએ. વળી, આરોપીનો ભૂતકાળ પણ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. તે ચેઇન સ્નેચીંગ, ચોરી, ખૂનની કોશિશ સહિતના અન્ય ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો છે અને તે ગુનાહીત માનસિકતા ધરાવે છે ત્યારે આવા રીઢા ગુનેગારોના આ અતિગંભીર ગુનાને કોર્ટે હળવાશથી લેવો જોઇએ નહી.

નીચલી કોર્ટે આરોપીને ફટકારેલી ફાંસીની સજા બિલકુલ યોગ્ય અને કાયમ રહેવાને પાત્ર ઠરે છે. હાઇકોર્ટે તમામ પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ આરોપી દેવા ધના કોળીની ફાંસીની સજા ઘટાડી હતી પરંતુ તેને ૩૦ વર્ષની આકરી કેદની સજા ફટકારી હતી. હાઇકોર્ટે એવી પણ સ્પષ્ટ તાકીદ કરી હતી કે, આરોપીને ૩૦ વર્ષની આકરી કેદની સજામાં તે સારી ચાલચલન કે વર્તણૂંક દાખવે તોય માફી નહી મળી શકે. હાઇકોર્ટે આવી કડક અને સ્પષ્ટ તાકીદ સાથે આરોપી દેવા ધના કોળીને ૩૦ વર્ષની આકરી કેદની સજા ફટકારી હતી.

Share This Article