નવીદિલ્હી : પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદી અડ્ડાઓ ઉપર ભારતીય હવાઈ દળ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઇને વિરોધ પક્ષો દ્વારા માંગવામાં આવી રહેલા પુરાવા પર આજે મોટો ખુલાસો થયો હતો. બાલાકોટ એર સ્ટ્રાઇકને લઇને વાસ્તવિકતા આખરે સપાટી ઉપર આવી ગઈ છે જેમાં સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટપણે જાઈ શકાય છે કે, બાલાકોટમાં ત્રાસવાદી અડ્ડાઓને હવાઈ હુમલામાં કબ્રસ્તાનમાં ફેરવી દેવામાં આવ્યા હતા.
હકીકતમાં આ સમગ્ર વિવાદ કેટલાક આંતરરાષ્ટ્રીય મિડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ શરૂ થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, એર સ્ટ્રાઇક બાદ પણ ઇમારત યથાવત છે. હવે સેટેલાઇટ ઇમેજ મારફતે જે ફોટા આવ્યા છે તેનાથી સ્પષ્ટપણે કહ ીશકાય છે કે, ભારતે જોરદાર હવાઈ હુમલા કર્યા હતા જેમાં આતંકવાદી અડ્ડાઓ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા અને અહીં રહેલા તમામ લોકોના મોત થયા હતા. ફોટાઓના આધાર પર દાવો કરવામાં આવ્યો છે કે, હવાઈ હુમલામાં નુકસાનના નિશાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. આ રિપોર્ટ અને ફોટાઓમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, પાકિસ્તાને હુમલામાં ઇમારત અને ત્રાસવાદી અડ્ડા નાશ પામ્યા બાદ રાતોરાત નવી ઇમારત ઉભી કરી દેવાઈ હતી. અને નુકસાન થયું નથી તેમ દર્શાવવાના પ્રયાસ શરૂ થયા હતા પરંતુ સેટેલાઇટ ઇમેજમાં તમામ બાબતો સ્પષ્ટ થઇ ગઇ છે જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે, ભારતે હવાઇ હુમલા કર્યા ત્યારે ઇમારતની આસપાસ વન્ય વિસ્તારો હતા અને ટેંક અને અન્ય સાધનો પણ હતા પરંતુ હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદ ઇમારત ઉપર જ બોંબ ઝીંકાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ઇમારત નાશ પામી હતી. વન્ય વિસ્તારમાં પણ વૃક્ષો બળી ગયા હતા અને જ્યાં હરિયાળી નજરે પડતી હતી ત્યાં કાળા નિશાન પડી ગયા હતા. આ ઉપરાંત વૃક્ષોને પણ આસપાસથી કાપીને વહેલીતકે નવેસરથી બિલ્ડિંગ ઉભી કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. છેલ્લા ૧૨ કલાકમાં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ ભારતે બાલાકોટમાં ભારે તબાહી મચાવી હતી. ફોટાઓમાં સમીક્ષા કર્યા બાદ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ભારતીય મિસાઇલે જૈશના ટ્રેનિંગ કેમ્પને સંપૂર્ણપણે ફૂંકી મારી હતી.
ભારતીય મિસાઇલો દ્વારા ઇમારતમાં અનેક મોટા ખાડા પડી ગયા હતા. બંકર બસ્ટિંગ મિસાઇલોના હુમલામાં સંપૂર્ણપણે ઇમારત નાશ પામે તે જરૂરી નથી. જે મિસાઇલોના ભારતીય હવાઈ દળનો ઉપયોગ કર્યો હતો ત્યાં સીધીરીતે બિલ્ડિંગોમાં ત્રાટકી હતી. સેટેલાઇટ ઇમેજમાં ચાર બ્લેક સ્પોટ નજરે પડે છે. રિપોર્ટમાં પોખરણમાં ઉપયોગ કરવામાં આવેલા બંકર બસ્ટર મિસાઇલના પેનેટ્રેશન વિડિયો પણ દર્શાવવામાં આવ્યા છે જેમાં સ્પષ્ટપણે નજરે પડે છે કે, મિસાઇલો ઝીંકાયા બાદ પણ ઇમારત સંપૂર્ણપણે નાશ પામે છે. સેટેલાઇટ તસ્વીરના આધાર પર અગાઉ વૈશ્વિક મિડિયામાં ગેરમાર્ગે દોરનાર રિપોર્ટ દર્શાવવામાં આવ્યા હતા જેમાં દાવો કરાયો હતો કે, બાલાકોટ કેમ્પની ઇમારતો યથાવત છે. તેમને કોઇ નુકસાન થયું નથી.
જો કે, ભારતીય હવાઈ દળે સતત કહ્યું છે કે, હુમલા વેળા ટાર્ગેટને મજબૂતી સાથે હિટ કરવામાં આવ્યા હતા. ગ્લાઇડેડ બોંબ ઝીંકવામાં આવ્યા હતા જેના લીધે ટાર્ગેટ નષ્ટ થાય છે. ફોટાઓમાં કેટલાક વૃક્ષો પણ નાશ પામેલા દેખાય છે. એમ્બ્યલન્સ પણ નજરે પડે છે. સ્પાઇસ ૨૦૦૦ ગ્લાઇડ બોંબ ઇઝરાયેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આનો ઉપયોગ મિરાજ ૨૦૦૦ વિમાન દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓને ફૂંકી મારતી વેળા ઉપયોગ કરાયો હતો.