સુરતમાં ડાયમંડ હોસ્પિટલના ૧૦ વર્ષના ઈતિહાસમાં એક જ દિવસમાં ૩૧ ડિલિવરી થતાં રેકોર્ડ સર્જાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ દીકરી અને ૧૪ દીકરાનો જન્મ થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઊઠ્યું હતું. આ હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ત્યારે હાલ તો ૩૧ બાળકો-બાળકીઓના જન્મ થતાં હોસ્પિટલના સ્ટાફ તેમજ દંપતીઓમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે. આ સાથે જન્મેલાં તમામ બાળકો સ્વસ્થ છે. ડાયમંડ હોસ્પિટલના ટ્રસ્ટી દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, હોસ્પિટલ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઊઠી હતી અને આખા હોસ્પિટલના સ્ટાફમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે. તેમજ જન્મ આપનાર મા-બાપ અને તેમના પરિવારના લોકોમાં આનંદની લાગણી ફરી વળી હતી. તમામ જન્મેલાં ૩૧ બાળકો સ્વસ્થ છે અને તેને માટે હોસ્ટિપલની ટીમે ખૂબ મહેનત કરી છે. આ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ માત્ર ૧૮૦૦ છે અને દીકરીનો જન્મ થાય તો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ સિઝેરિયન ડિલિવરીનો ચાર્જ માત્ર ૫૦૦૦ છે. તેમજ આ હોસ્પિટલમાં કોઈપણ દંપતીને ત્યાં એક કરતાં વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ૨૦૦૦ દીકરીઓને કુલ ૨૦ કરોડના બોન્ડ આપી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, ડાયમંડ એસોસિયેશન આરોગ્ય સમિતિ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ૩૧ ડિલિવરી સાથે સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. જે બદલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ, એનેસ્થેટિક, ગાયનેક વિભાગના રેસિડેન્ટ ડોક્ટરો, હોસ્પિટલના પીડિયાટ્રિશિયન તેમજ ઓ.ટી. વિભાગના સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર અને સ્ટાફના ઉમદા કાર્ય બદલ સૌનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો.