સીટીઝનશીપ એક્ટ મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે ત્યારે વડોદરામાં પોલીસ પર જોરદાર પથ્થરમારા અને હિંસાની ગંભીર ઘટનાઓ સામે આવ્યા બાદ અગમચેતીના ભાગરૂપે હવે સુરત અને રાજકોટમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. આ અંગે સુરત અને રાજકોટ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેથી જાહેરમાં ચારથી વધુ લોકો એકસાથે ઉભા રહી શકશે નહીં કે એકઠા થઇ શકશે નહી. તો સાથે સાથે પોલીસ દ્વારા જાહેરમાં રેલી, સભા અને સરઘસ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમદવાદ, વડોદરામાં હિંસા અને પોલીસ પર પથ્થમારાની ગંભીર ઘટનાઓ બાદ હવે સમગ્ર સુરત અને રાજકોટમાં પોલીસે પેટ્રોલીંગ અને ફલેગમાર્ચ વધારી દીધા છે. પોલીસ દ્વારા આ બંને શહેરોમાં એકએક શંકાસ્પદ ગતિવિધિ પર ચાંપતી નજર રખાઇ રહી છે.
આ ઉપરાંત શહેરમાં સભા, કે સરઘસ કાઢી શકાશે નહી. સુરતની સાથે સાથે રાજકોટના પણ ૧૪૪ની કલમ તકેદારીના ભાગ રૂપે લાગુ કરવામાં આવી હોઇ સ્થાનિક લોકોમાં સહેજ ગભરાટની લાગણી જોવા મળી રહી છે કે ક્યાંક અમદાવાદ, વડોદરાની જેમ આ શહેરોમાં પણ શાંતિનું વાતાવરણ ડહોળાય નહી. સુરતમાં પોલીસની મદદ માટે સરકાર દ્વારા પેરમિલેટ્રીની એક કંપની પણ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત સલાબતપુરા, ઉધના સહિતના વિસ્તારોમાં ફલેગમાર્ચ પણ કરવામાં આવી હતી. સુરત-રાજકોટમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે અને પોલીસ તમામ હરકતો પર નજર રાખીને બેઠી છે.