રાજકોટમાં આજે માલધારી સમાજનો વિરોધ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઢોર નિયંત્રણના કાયદાના વિરોધમાં માલધારી સમાજ દ્વારા દૂધનું વેચાણ બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે પરંતુ હાલ જે ધંધાર્થીઓ દ્વારા દૂધનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેમને પણ માલધારીઓના રોષનો શિકાર બનવું પડી રહ્યું છે. જ્યાં એરપોર્ટ રોડ પર દૂધની ડેરી પર માલધારીઓનું ટોળું ત્રાટક્યું હતું અને ડેરીમાં તોડફોડ કરી ૮૦ લીટર દૂધ રસ્તા પર વહાવી દીધું હતું. જયારે કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસી નજીક દૂધનું ટેન્કર અટકાવીને દૂધ રસ્તા પર ઢોળી નાખ્યું હતું. જેને પગલે દૂધની રેલમછેલ થઇ ગઇ હતી. સોખડા ચોકડી પર તો દૂધ ભરેલા કેનના કેન ખાલી ર્ક્યા હતા. જેને પગલે રસ્તા ઉપર રસ્તા પર દૂધની નદી વહેતી થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં લોકોનું ટોળું મારી દુકાને આવ્યું હતું અને મને ડેરી બંધ કરવાનું કહ્યું હતું. મેં વિનંતી કરી હતું કે તે તાત્કાલિક ડેરી બંધ કરી દઈશ, છતાં પણ મારી વાત સાંભળ્યા વિના ફ્રીઝમાંથી દૂધની થેલીઓ કાઢીને તેને રસ્તા પર વહાવી દીધી હતી અંદાજે ૭૦ થી ૮૦ લીટર જેટલુ દૂધ વેડફાય જતા ૫થી૬ હજાર રૂપિયાનું નુકસાન થયું છે. હાલ ઘટના સ્થળે પોલીસની ટીમ પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
બીજી તરફ સોખડા ચોકડી પાસે જાણે દૂધની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કારણકે માલધારીઓ દ્વારા હજારો લિટર દૂધને રસ્તા પર વહાવી દેવામાં આવ્યું હતું.જો કે મામલે માલધારી સમાજના આગેવાન રણજીત મુંધવાએ દુધનું નુકસાન ન કરવાની અપીલ કરી હતી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, દૂધ મંદિરમાં આપવું ગરીબ લોકોને આપવું અથવા તો દ્વારકાધીશની ખીર બનાવી અને પ્રસાદ વિતરણ કરો મહેરબાની કરીને ક્યાંય પણ દૂધને વેડફો નહીં. લોકોએ પણ પૂર્વ તૈયારીના ભાગરૂપે દૂધની ખરીદી કરી લીધી હોવાનું સામે આવી રહ્યું છે. શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા હોય શ્રાદ્ધમાં ખીર ધરવામાં આવે છે અને તે કારણે દૂધની ડિમાન્ડ સામાન્ય દિવસો કરતા હાલના દિવસોમાં વધી છે આ સમયે માલધારીઓએ આજે દૂધ વિતરણ બંધ કરવાની જાહેરાત કરતાં શ્રાદ્ધ માટે જરૂરી દૂધ એકત્રિત કરવા લોકોએ મંગળવાર સાંજથી જ દોડાદોડી શરૂ કરી હતી. હાલ રાજકોટમાં ઠેર-ઠેર દૂધની ડેરીઓ પણ બંધ છે અને લોકોની પણ ભીડ સર્જાઇ નથી પરંતુ માલધારીઓનો ઉગ્ર વિરોધ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.