રાજકોટ: શહેરમાં16 વર્ષીય સગીરાને ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપી તેની સાથે દોઢ વર્ષમાં અનેક વખત શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલાની પોલીસ ફરિયાદ રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા યુનિવર્સિટી પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી 25 વર્ષીય જયેશ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ તેના બે દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.
રાજકોટના મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતી દીકરી સાથે છેલ્લા દોઢ વર્ષથી દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું હોવાની ઘટના સામે આવી છે. ગુરુવારના રોજ રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે 16 વર્ષીય સગીરા દ્વારા ફિલ્મ મેકિંગના વ્યવસાય સાથે સંકળાયેલા તેમજ કોળી ઠાકોર સેનાના પ્રમુખ તેમજ કોંગ્રેસના નેતા એવા જયેશ ઠાકોર વિરુદ્ધ કલમ 64 (2)(M), 64(2)(I), 65(1) તેમજ પોક્સોની કલમ 4 8 મુજબ ગુનો નોંધાવવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી જયેશ ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ગુનાના કામે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેર, એસીપી પશ્ચિમ વિભાગ, રાધિકા ભારાઈએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, આઈ.ટી.આઈમાં અભ્યાસ કરનારી સગીરાને ફિલ્મમાં કામ કરવાનો તેમજ મોટા પડદા ઉપર દેખાવાનો શોખ હતો. જેના કારણે બે વર્ષ પૂર્વે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ગુજરાતી ફિલ્મ કલાકાર બનવા માટે ઓડિશનની જાહેરાત જોઈ હતી. તેમજ જાહેરાતમાં આપવામાં આવેલા નંબર પર કોન્ટેક્ટ પણ કર્યો હતો. તે પોતાની માતાને લઈ રાજકોટ શહેરના પાટીદાર ચોક પાસે આવેલા કોમ્પલેક્ષમાં જયેશ ઠાકોરની ઓફિસ ખાતે પણ પહોંચી હતી. ત્યારે શરૂઆતમાં તો જયેશ ઠાકોર દ્વારા સગીરાને કહેવામાં આવ્યું હતું કે, તમારે થોડાક ડાયલોગ પ્રેક્ટિસની જરૂર છે. જેથી તમારે પ્રેક્ટિસ કરવા માટે અહીંયા આવવું પડશે. તેમજ દોઢ મહિના પછી મારી મૂવીનું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે. જો તમને એક્ટિંગ આવડી જશે તો હું તમને મારી ફિલ્મમાં હિરોઈન તરીકે લઈ લઈશ. આ પ્રકારની વાત કરી સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી. તેમજ પ્રેક્ટિસ દરમિયાન જયેશ ઠાકોર સગીરાને અડપલા કરતો હતો. તેમજ પોતાની બાથમાં ભીડીને કિસ કરવાની હરકત પણ કરવામાં આવી હતી.
ત્યારે જયેશ ઠાકોરની આ હરકતથી સગીરાએ પ્રેક્ટિસમાં જવાનું છોડી દીધું હતું. ત્યારબાદ જયેશ ઠાકોર દ્વારા સગીરાની માતાનો સંપર્ક કરીને હું તમને બહેન માનું છું તમારી દીકરીમાં ખૂબ જ ટેલેન્ટ છે તેવું જણાવવામાં આવ્યું હતું. તેમજ તમારી દીકરીને પ્રેક્ટિસમાં મોકલો તેવું જણાવતા સગીરા ફરી પાછી જયેશ ઠાકોરની ઓફિસ ખાતે ગઈ હતી. ત્યારબાદ જયેશ ઠાકોર દ્વારા તેને ખાણીપીણીની વસ્તુ ખવડાવવામાં આવી હતી. જે ખાનપાન કરતા સગીરા અર્ધ બેભાન જેવી થઈ ગઈ હતી. ત્યારે સગીરાની અર્ધ બેભાન જેવી હાલતનો ફાયદો જયેશ ઠાકોર દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. તેમજ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સગીરાએ જ્યારે જયેશ ઠાકોરને કહ્યું કે તમે આવું મારી સાથે શા માટે કરો છો? ત્યારે જયેશ ઠાકોર એ કહ્યું હતું કે ફિલ્મ લાઈનમાં તો આવું ચાલતું જ રહેતું હોય. તેમજ જો તું આ બાબતની જાણ કોઈને કરીશ તો હું તને મૂવીમાં રોલ નહીં આપું તે પ્રકારની ધમકી પણ આપી હતી. આમ છેલ્લા દોઢ વર્ષના સમયગાળા દરમિયાન જયેશ ઠાકોર દ્વારા પોતાની ઓફિસ તેમજ ફ્લેટ ખાતે સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.
ત્યારે હાલ તો પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ પણ મેળવી લીધા છે. તો સાથે જ બનાવવાની જગ્યાનું પંચનામું પણ કરવામાં આવ્યું છે. તેમજ સગીરા તેમજ આરોપી જયેશ ઠાકોરનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે. તો સાથે જ જરૂરી સાંયોગિક પુરાવાઓ પણ પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.