પૂંચમાં પાક.નું હેલિકોપ્ટર દેખાયુંઃ તંગ બનેલ સ્થિતિ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પૂંચઃ ત્રાસવાદના મુદ્દા ઉપર આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ખુલ્લા પડી રહેલા પાકિસ્તાને સરહદ ઉપર ફરી એકવાર દુસાહસ કરવાના પ્રયાસ કર્યા છે. પાકિસ્તાને આ વખતે ભારતના એરસ્પેશમાં અતિક્રમણ કરવાના પ્રયાસ કર્યા છે. ભારતીય એરસ્પેશમાં પૂંચમાં પાકિસ્તાની હેલિકોપ્ટર નજરે પડ્યું હતું.

એક વિડિયો સપાટી ઉપર આવ્યો છે જેમાં પાકિસ્તાનનું એક હેલિકોપ્ટર ભારતીય સરહદની અંદર નજરે પડી શકે છે. ભારતીય સેનાએ હેલિકોપ્ટરને નિહાળ્યા બાદ જવાબી કાર્યવાહીમાં કેટલાક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો ત્યારબાદ આ હેલિકોપ્ટર પરત જતું રહ્યું હતું. ભારતીય એરસ્પેશમાં પાકિસ્તાનના અતિક્રમણના કારણે ફરી એકવાર તંગદિલી ઉભી થઇ ગઇ છે.

આજે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર ભારતની સરહદની અંદર પૂંચના ગુલપુર સેક્ટરમાં જોવા મળ્યું હતું. ભારતીય સરહદની નજીક સુધી તે ઘુસ્યું હતું. વિડિયોમાં સુરક્ષા દળો તરફથી ચલાવવામાં આવેલા ગોળીબારનો અવાજ પણ સાંભળી શકાય છે. આ વિસ્તાર ઘુસણખોરીને લઇને ખુબ જ સંવેદનશીલ ગણવામાં આવે છે. જે ઉંચાઈ ઉપર આ હેલિકોપ્ટર ફરી રહ્યું હતું તેનાથી શંકા લાગે છે કે, આ વિસ્તારની રેકી કરવા માટે આવ્યું હતું. નિયમ મુજબ રોટરવાળા કોઇપણ વિમાન અંકુશરેખાની એક કિલોમીટરથી નજીક આવી શકે નહીં જ્યારે રોટર વગરના કોઇ વિમાન સરહદની ૧૦ કિલોમીટરની અંદર આવી શકે નહીં.

સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના તીખા તેવરના લીધે પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. સુષ્માએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, પાકિસ્તાન એક એવા દેશ તરીકે છે જેને આતંકવાદ ફેલાવવાની સાથે સાથે ત્રાસવાદને નકારી કાઢવામાં મહારથ મળેલી છે. આતંકવાદીઓ પાકિસ્તાનમાં ખુલ્લામાં ફરે છે. મળેલી માહિતી મુજબ પાકિસ્તાનના હેલિકોપ્ટરમાં પોકના વડાપ્રધાન ફારુક હૈદર હોવાનું જાણવા મળ્યું છે.

Share This Article