યાત્રાધામ પાવાગઢ ખાતે જ માઇ ભક્તોનો ધસારો ધોધમાર વરસાદ વચ્ચે પણ અવિરત શરૂ થતા પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેરથી લઇ માચી અને પાવાગઢ ડુંગર સુધી ઠેર ઠેર માનવ મહેરામણ જોવા મળ્યું હતું. યાત્રાધામ પાવાગઢ ખાતે બે લાખ ઉપરાંત માઇભકતો ઊમટી પડતાં માચી અને તળેટી ખાતે આવેલ ચાપાનેરના તમામ પાર્કિંગ સ્થાનો પણ ફુલ થઈ જવા પામતા હાલોલ-પાવાગઢ રોડ લાંબી લાંબી વાહનોની પાર્કિંગની કતારો લાગી હતી. જ્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રિકોનો ભારે ધસારો થતાં સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસતંત્રએ સતત વરસતા વરસાદમાં ખડે પગે ઊભા રહી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. હાલોલ પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ ૮૫ મી.મી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જ્યારે સિઝનનો કુલ ૨૨૯ મીમી. ૯ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
હાલોલ તાલુકા સહિત નગર ખાતે વરસાદના વધામણા શરૂ થયા હતા. જોકે વરસાદે ઉગ્ર બની રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં નિચાણવાળા વિસ્તારો સહિત અનેક સોસાયટીઓમાં ઘૂંટણ સમાં પાણી ભરાયા હતા. જેને લઈ નગર પાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. જ્યારે હાલોલ નગરના મુખ્ય હાર્દ સમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં દ્વારકાધીશ હવેલી પાસે પાણી ભરાયાં હતાં.સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે સતત વરસતા ધોધમાર વરસાદ વચ્ચે અને ભારે વાદળછાયા ધુમ્મસભર્યા વાતાવરણમાં બે લાખ ઉપરાંત માઇભકતો મહાકાળી માતાજીના દર્શનાર્થે ઉમટ્યા હતા. જેમાં થોડા થોડા અંતરે એકાએક તુટી પડતા ધોધમાર વરસાદને પગલે પાવાગઢ ખાતે આવેલ રોપ-વેને સલામતી ખાતર દિવસ દરમ્યાન અનેકવાર બંધ કરવાની ફરજ પડી હતી.