પાકિસ્તાનમાં મોંઘવારી ૧ કિલો લોટનો ભાવ ૧૫૦ રૂપિયા, ગેસના બાટલા માટે પણ છે પડાપડી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પાકિસ્તાનની આર્થિક સ્થિતી દિવસેને દિવસે ખરાબ થઈ જાય છે. લોકો માટે હવે બે ટંકના ભોજનના પણ ફાંફા પડી રહ્યા છે. વાત જાણે એમ છે કે, લોટના ભાવ સતત વધી રહ્યા છે. લોટની કિંમત હવે ૧૫૦ રૂપિયા કિલો પહોંચી ચુકી છે. હાલમાં ૧૦૦ કિલો લોટની બોરીની કિંમત ૧૨ હજાર રૂપિયાને પાર કરી ચુક્યા છે. સિંધમાં લોટ એક અઠવાડીયા પહેલા ૧૦૪ રૂપિયા અને ગત મહિને ૯૬ રૂપિયાથી ૧૧૫ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો હતો. દ ડોનના એક રિપોર્ટ અનુસાર, આવી રીતે ફાઈન અન સુપર ફાઈન લોટની કિંમત એક અઠવાડીયા પહેલા ૧૦૮ રૂપિયા કિલો અને ગત મહિને તેના ભાવ ૧૦૫ રૂપિયાથી વધીને ૧૧૮ રૂપિયા થઈ ગયા હતા. તો વળી ચક્કી પર લોટની કિંમત એક મહિના પહેલા ૧૨૦ રૂપિયાથી વધીને ૧૪૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી.

આ બાજૂ માર્કેટ એસોસિએશને કહ્યું છે કે, લોટની મિલ પર ઘઉંનો મર્યાદિત સ્ટોક છે. આ કારણે લોટમાં મળેલી મર્યાદિત માત્રામાં બજારમાં લોટ આપી રહ્યા છે. સિંધ માટે પાકિસ્તાન ફ્લોર મિલ્સ એસોસિએશનના અધ્યક્ષ આમિર અબ્દુલાનું કહેવું છે કે, ૧૦૦ કિલો ઘઉંની બેગની કિંમત ખુલ્લા બજારમાં એક અઠવાડીયા પહેલા ૯૩૦૦ રૂપિયાથી વધીને ૧૦,૨૦૦ થઈ ગયા બાદ ફાઈન અને સુપર ફાઈન બ્રાન્ડની કિંમતમાં સૌથી વધારે વધારો જોવા મળ્યો છે.

ગત મહિને થેલીની કિંમત ૮૩૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, પાકિસ્તાનના કેટલા શહેરમાં લોટ માટે લાંબી લાંબી લાઈનો લાગી રહી છે. આપને ખબર હશે કે, પાકિસ્તાનમાં ઘઉંની સાથે સાથે ગેસ અને ચોખાની ભારે કમી સર્જાઈ રહી છે. પાકિસ્તાને લોન પર ગેસ મળી રહ્યો છે. પણ તેની કિંમત ખૂબ વધારે છે. તો વળી આ વર્ષે આવેલ ભીષણ પુરના કારણે પાકને પણ ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેથી અનાજની કિંમતમાં ભારે વધારો થયો છે. આ અગાઉ પણ પાકિસ્તાનમાં ગેસને લઈને મારામારી જોવા મળી હતી. લોકો ખાલી બાટલા લઈને રિફીલ કરાવવા માટે ઠેર ઠેર ભટકી રહ્યા છે.

Share This Article