પાકિસ્તાનમાં હિંદુ છોકરીએ ઇસ્લામ સ્વીકારવાની ના પાડી તો ૩ દિવસ સુધી થયો ગેંગરેપ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી અપહરણ કરાયેલી એક પરિણીત હિંદુ યુવતીએ કહ્યું છે કે, ‘તેના અપહરણકારોએ તેને ઈસ્લામ સ્વીકારવાની ધમકી આપી હતી અને ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કરતાં તેના પર બળાત્કાર કર્યો હતો.’ દેશમાં લઘુમતી સમુદાયના સભ્યો પર અત્યાચારના આવા કિસ્સાઓ સામે આવતા રહે છે. યુવતીએ સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા એક વીડિયોમાં જણાવ્યું છે કે, ઉમરકોટ જિલ્લાના સમરો શહેરમાં તેના પર બળાત્કાર થયો હતો અને પોલીસે હજુ સુધી શકમંદો વિરુદ્ધ કેસ નોંધ્યો નથી.

હિંદુ સમુદાયના એક સ્થાનિક નેતાએ કહ્યું કે, ‘રવિવાર સુધી મીરપુરખાસમાં પોલીસ યુવતી દ્વારા નામ આપવામાં આવેલા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં નિષ્ફળ રહી હતી.’ તેમણે કહ્યું હતું કે, ‘છોકરી અને તેનો પરિવાર પોલીસ સ્ટેશનની બહાર બેઠો છે, પરંતુ હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી’ છોકરી પહેલેથી જ પરિણીત છે. તેણે વીડિયોમાં દાવો કર્યો છે કે, તેનું ઈબ્રાહિમ માંગરીયો, પુન્હો માંગરીયો અને તેમના સાથીઓએ અપહરણ કર્યું હતું. યુવતીએ કહ્યું કે, ‘તેઓએ તેને ધમકી આપી અને ધર્મ પરિવર્તન કરવા કહ્યું, પરંતુ જ્યારે તેણીએ ના પાડી તો તેની સાથે ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજારવામાં આવ્યો.’ પીડિતાએ જણાવ્યું હતું કે, તે તેના અપહરણકારોના ચુંગાલમાંથી મુક્ત થયા બાદ ઘરે પરત ફરી છે. હિંદુ છોકરીઓનું અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તન સિંધના આંતરિક ભાગમાં એક મોટી સમસ્યા બની ગઈ છે. મુખ્યત્વે હિન્દુ સમુદાયના લોકો થાર, ઉમરકોટ, મીરપુરખાસ, ઘોટકી અને ખૈરપુર વિસ્તારમાં રહે છે. આ વિસ્તારોમાં હિન્દુ સમુદાયના મોટાભાગના સભ્યો મજૂર છે.

ગયા વર્ષે જૂનમાં હિંદુ યુવતી કરીના કુમારીએ અહીંની એક કોર્ટમાં જણાવ્યું હતું કે, ‘તેનો બળજબરીથી ઇસ્લામ ધર્મ કબૂલ કરવામાં આવ્યો હતો અને મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કરવ્યા હતા.’ ગયા વર્ષે માર્ચમાં ત્રણ હિંદુ છોકરીઓ સત્રન ઓડ, કવિતા ભીલ અને અનીતા ભીલનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું, અને તે લોકોએ ઇસ્લામમાં ધર્મ પરિવર્તન કરવા દબાણ કરવામાં આવ્યું હતું અને આઠ દિવસમાં મુસ્લિમ પુરુષો સાથે લગ્ન કરી લીધા હતા. અન્ય એક કિસ્સામાં, ગયા વર્ષે ૨૧ માર્ચેમાં સુક્કુરના રોહરી ખાતે પૂજા કુમારીની તેના ઘરની બહાર ર્નિદયતાથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. માત્ર છોકરીઓ જ નહીં, પરંતુ વૃદ્ધ હિંદુ મહિલાઓ પણ અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો શિકાર બની છે. ચાર બાળકોની માતા ઘોરી કોહલીનું સિંધના ખીપ્રોમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં જાણવા મળ્યું હતું કે તેણે ઈસ્લામ કબૂલ કર્યો હતો. મહિલાએ તેના અપહરણના આરોપી એજાઝ મર્રી સાથે લગ્ન કર્યા હતા.

Share This Article