પાકિસ્તાનમાં ડોક્ટરને સફાઈ કર્મચારી સાથે પ્રેમ થયો, બંનેએ નિકાહ કર્યા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

જ્યારે પ્રેમ થાય છે ત્યારે સોશિયલ સ્ટેટ્‌સનું કોઈ મહત્વ રહેતું નથી. આ બાબતને પાકિસ્તાની કપલે સાચી સાબિત કરી છે. સફાઈ કર્મચારી અને ચા બનાવનાર શખ્સને MBBS ડોક્ટર સાથે પ્રેમ થઈ ગયો અને પછીથી બંનેએ નિકાહ કર્યા. કપલ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. હાલ આ કપલની કહાણી સમાચારોમાં છે. ખાસ વાત એ છે કે, આ મહિલા ડોક્ટર કિશ્વર સાહિબાએ જ શહજાદને પ્રપોઝ કર્યું હતું. કપલ પાકિસ્તાનના ઓકારાના દીપાલપુરનું રહેવાસી છે. આ કપલ તેની રોજિંદી જીંદગીને પર્સનલ યુટ્યુબ ચેનલ પર બતાવે છે. શહજાદ તે જ હોસ્પિટલમાં સફાઈનું કામ કરતો હતો, જ્યાં કિશ્વર ડોક્ટર તરીકે કામ કરતી હતી. આ સિવાય તે ચા પણ બનાવતો હતો.

શહજાદે યુટ્યુબ વીડિયોમાં જણાવ્યું કે તેણે ક્યારે પણ આ અંગે વિચાર્યું નહોતું કે આવું કઈ થશે. કિશ્વરે જણાવ્યું કે શહજાદની પર્સનાલિટી તેને ખૂબ જ સારી લાગતી હતી. તેને જોઈને લાગતું નહોતું કે તે સફાઈ કર્મચારી કે ચા બનાવનારો વ્યક્તિ છે. તે તેના કામથી કામ રાખતો હતો, તેની સાદગી જોઈને, તે તેની પર ફિદા થઈ ગઈ હતી.  શહજાદ હાથથી ન નીકળી જાય તે માટે તેણે મા-બાપને કહ્યાં વગર જ પ્રપોઝ કર્યું હતું.

કિશ્વર કહે છે કે, આખી જીંદગીનો ર્નિણય તેણે એક જ દિવસમાં લઈ લીધો હતો. શહજાદને જ્યારે પૂછવામાં આવ્યું કે લોકો તેમના સ્ટેટ્‌સ પ્રમાણે લગ્ન કરે છે. તેના જવાબમાં તેણે કહ્યું કે, આ બધી નસીબની વાત હોય છે. તેમણે મને પ્રપોઝ કર્યું હતું. શહજાદે વધુમાં કહ્યું કે, તેની ડ્યુટી ત્રણ ડોક્ટરના રૂમમાં હતી. તે મોટાભાગે સફાઈ કરવા, ચા આપવા ડોક્ટરના રૂમમાં જતા હતા. એવામાં એક દિવસે કિશ્વરે તેમનો નંબર માંગ્યો અને કહ્યું કે ઘણી વખત તમે જ્યારે નથી હોતા, ત્યારે તમને કોલ કરીને બોલાવી લઈશ. આ વિચારીને જ શહજાદે તેમને નંબર આપી દીધો હતો. એક દિવસ શહજાદે વોટ્‌સઅપ પર કેટલાક સ્ટેટ્‌સ મૂક્યાં હતા, તેને કિશ્વરે લાઈક કર્યા. પછીથી તે જ દિવસે શહજાદને હોસ્પિટલમાં પોતાના રૂમમાં બોલાવ્યા અને પ્રપોઝ કર્યું. પ્રપોઝ કર્યા પછી શહજાદ હલી ગયા હતા, તેને વિશ્વાસ જ ન થયો. તે પ્રપોઝને જ મજાક સમજી બેઠાં. તે પછી તે થોડાં દિવસ સુધી હોસ્પિટલમાં જ ન આવ્યાં. શહજાદે વીડિયોમાં જણાવ્યું કે, પ્રપોઝની વાત સાંભળીને જ તેમને તાવ આવી ગયો હતો. જો કે પછીથી તે કિશ્વરને મળવા પહોંચી ગયા હતા. શહજાદે જણાવ્યું કે, નિકાહ થયા પછી કિશ્વરે હોસ્પિટલ છોડી દીધી હતી. કારણ કે તેણે તેની બહેનપણીઓના મેણાંટોણાં સાંભળવા પડતા હતા. કપલનું આગામી પ્લાનિંગ છે કે, કિશ્વર બાજુમાં જ ક્લિનિક ખોલે, જ્યાં તે દર્દીને જોઈ શકે. આ કપલ એક યુટયુબ ચેનલ પર પોતાની જીંદગી સાથે જોડાયેલા તમામ પાસાંઓ બતાવે છે.

Share This Article