ઉત્તર ગુજરાતમાં વારંવાર બદલાતી પવનની દિશાના કારણે દિવસ-રાતના તાપમાનમાં દરરોજ અસામાન્ય ફેરફાર થઇ રહ્યો છે. જેને લઇ બેવડી ઋતુનું અનુભવ પણ શરૂ થયો છે. ગુરૂવારે ઠંડીનું જોર ૨ ડિગ્રી સુધી ઘટવાની સાથે પાંચેય શહેરોમાં ગરમીનો પારો ૩૨ ડિગ્રીની પાર રહેતાં બપોરે આકરા તાપનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
ઉત્તર ગુજરાતમાં ગુરૂવારે મોટાભાગે ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા પવનના કારણે ઠંડીનું જોર ૨ ડિગ્રી સુધી ઘટ્યું હતું. જેને લઇ મુખ્ય ૫ શહેરોમાં ઠંડીનો પારો ૧૩.૮ થી ૧૭.૪ ડિગ્રીની વચ્ચે રહેતાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં સવારે ફુલગુલાબી ઠંડી રહી હતી. બીજી બાજુ મહેસાણા, પાટણ અને ડીસામાં દિવસનું તાપમાન પોણો ડિગ્રી ઘટ્યું હતું, જ્યારે હિંમતનગર અને મોડાસામાં તાપમાન દોઢ ડિગ્રી સુધી વધ્યું હતું.
દિવસના તાપમાનમાં વધ-ઘટ વચ્ચે પાંચેય શહેરોમાં ગરમીનો પારો ૩૨ ડિગ્રીથી વધુ રહ્યું હતો. તેમજ ૩૩.૫ ડિગ્રી સાથે મોડાસા ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ૩૨ ડિગ્રીથી વધુ તાપમાનને લઇ સમગ્ર ઉત્તર ગુજરાતમાં બપોરના સમયે ગરમી આકરી બની હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૧૧ ફેબ્રુઆરી સુધી ઉત્તર ગુજરાત પરથી મોટાભાગે ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન પસાર થઇ શકે છે. જેને લઇ બેવડી ઋતુના અનુભવ સાથે વાતાવરણ આંશિક વાદળછાયું બનવાની શક્યતા છે.