અમદાવાદ ; કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર માટે કમરકસી ચુક્યા છે. થોડાક દિવસ પહેલા જ ચૂંટણી સભા કર્યા બાદ હવે રાહુલ ફરી ૧૮મી એપ્રિલના દિવસે ૩.૩૦ વાગે બરેલીથી સીધા કેશોદ આવશે અને બપોરે ૪ વાગ્યે કેશોદથી વંથલી સભા સ્થળે પહોંચશે. જ્યાં ૪થી૫ વાગ્યા સુધી જાહેરસભા સંબોધશે. પોરબંદર અને જૂનાગઢ લોકસભાના લોકોને સંબોધન કરશે. જાહેરસભા બાદ રાહુલ ૫.૨૫ વાગ્યે કેશોદ પહોંચશે અને ૫.૩૦ વાગ્યે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા ભુજ જવા રવાના થશે. જ્યાં સાંજના ૬.૧૫ કલાકે જનસભામાં પહોંચશે અને ત્યારબાદ ૭.૩૦ કલાકે રાત્રિ રોકાણ માટે ભુજથી સુરત જવા રવાના થશે. ત્યારબાદ તા.૧૯મી એપ્રિલે બારડોલીમાં જાહેરસભા સંબોધશે.
ગુજરાત લોકસભાની ચૂંટણીને લઇ એકબાજુ રાજયમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને પ્રચાર કાર્ય ચરમસીમાએ છે ત્યારે આજે રાજયના હવામાનમાં આવેલા અચાનક પલ્ટા બાદ અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ફુંકાયેલા પ્રચંડ વાવાઝોડા અને કરા સાથે વરસાદ બાદ ભાજપ-કોંગ્રેસના પ્રચારકાર્યમાં અંતરાય ઉભો થયો હતો. ખાસ કરીને આવતીકાલે તા.૧૭મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરમાં જયાં પ્રચારસભા કરવાના હતા તે સભા મંડપ આજના પ્રચંડ વાવાઝોડામાં ઉડી ગયો હતો, જેને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને ભાજપના સભા આયોજકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી.
પીએમ માટે આ વિશાળ અને વિશેષ સભામંડપ તેમ જ શામિયાણો તૈયાર કરાયો હોઇ તે ધ્વસ્ત થતાં તેને લઇ ભારે નુકસાન થયુ હોવાનો પણ અંદાજ છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તા.૧૮ અને ૧૯ એપ્રિલના રોજ જ્યારે પીએમ મોદી આવતીકાલે તા.૧૭ એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈ હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. પીએમની સુરક્ષાને ધ્યાને લઈ સાત એસપી, ૧૩ ડીવાયએસપી, ૨૩ પીઆઇ, ૧૨૦ પીએસઆઇ અને ૧૪૦૦ પોલીસ કર્મી સહિત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ, એલસીબી, એસઓજી સહિતની સુરક્ષા ટીમો તૈનાત રહેશે.