નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીને લઇને આક્રમક ચૂંટણી પ્રચારની શરૂઆત કરી ચુક્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ મોદી મહારાષ્ટ્રમાં કુલ ૪૮ લોકસભાની સીટોમાં પોતાની તરફેણમાં માહોલ કરવા માટે મહારાષ્ટ્રમાં આઠથી વધારે રેલી કરનાર છે. મહારાષ્ટ્રમાં ૪૮ સીટ માટે ચાર તબક્કામાં મતદાન યોજાશે. આની શરૂઆત ૧૧મી એપ્રિલના દિવસથી થશે. મળેલી માહિતી મુજબ મોદી વર્ધામાં આતતીકાલે પહેલી એપ્રિલના દિવસે પ્રથમ રેલી યોજી શકે છે જ્યાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. ભાજપના વરિષ્ઠ નેતાએ માહિતી આપતા કહ્યું છે કે, મોદી દ્વારા રાજ્યમાં કુલ ૮ રેલીઓ યોજવામાં આવશે. ત્રીજા અને ચોથા તબક્કામાં મતદાનમાં વધુ રેલીઓ પણ થઇ શકે છે.
મતદાન આગળ વધતાં મોદીની રેલીઓની સંખ્યા વધારવામાં આવી શકે છે. પ્રથમ બે તબક્કાની સરખામણીમાં ત્રીજા અને ચોથા તબક્કામાં વધુ રેલી યોજવામાં આવશે. હાલના કાર્યક્રમ મુજબ ચાર તબક્કાની લોકસભાની ચૂંટણીમાં દરેક વિસ્તારમાં બે-બે રેલ યોજવામાં આવશે. મહારાષ્ટ્રમાં ૧૧, ૧૮, ૨૩ અને ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે. મુંબઈમાં જાહેરસભાના આયોજન અંગે પૂછવામાં આવતા ભાજપના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે, મુંબઈ શહેરમાં માત્ર એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે પણ ઉપસ્થિત રહેશે. વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ભાજપ-શિવસેના ગઠબંધને મુંબઈમાં તમામ સીટો જીતી લીધી હતી. આ વખતે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અને ઉદ્ધવ ઠાકરે તેમના સંબંધિત પક્ષોની અલગ રેલીઓ યોજવા માટે સહમત થયા છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે, વધારે અસર છોડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સંયુક્ત રેલી યોજવાના બદલે અલગ અલગ રીતે જાહેરસભા યોજવામાં આવશે.
આવી સ્થિતિમાં વધારે વિસ્તારોને આવરી લેવામાં આવશે. દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં યોજાનાર ભવ્ય સભાને લઇને અત્યારથી જ જોરદાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરે અમિત શાહના નામાંકન વેળા ઉપÂસ્થત રહ્યા બાદ એવી આશા છે કે, મહારાષ્ટ્રમાં બંને પક્ષો ફરીવાર સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરશે. અમિત શાહની અમદાવાદમાં જાહેર સભા દરમિયાન જ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, શિવસેના અને ભાજપ વચ્ચે હવે કોઇપણ પ્રકારના મતભેદ નથી. બંને પક્ષો વચ્ચે વૈચારિક મતભેદો હતા જે હવે દૂર કરી લેવામાં આવ્યા છે. કોઇપણ પ્રકારના વિવાદો હવે રહ્યા નથી. મહારાષ્ટ્ર ઉપરાંત અન્યત્ર પણ શિવસેના અને ભાજપ એક સાથે રહેશે. મુંબઈની રેલી ઉપરાંત મહારાષ્ટ્રમાં યોજાનારી અન્ય મોદીની આઠ રેલી વેળા પણ શિવસેનાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.