માત્ર ત્રણ મિનિટમાં જ મિશન શક્તિ હેઠળ સેટેલાઇટ તોડાયું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી : ભારતે અંતરિક્ષમાં યુદ્ધ ક્ષમતા હાંસલ કરીને કોઇપણ સેટેલાઇટને તોડી પાડવાની શક્તિ હાંસલ કરી લીધી છે. દેશના વૈજ્ઞાનિકોએ આજે માત્ર ત્રણ મિનિટમાં મિશન શક્તિ મારફતે અંતરિક્ષમાં લો અર્થ ઓર્બિટમાં ૩૦૦ કિલોમીટરના અંતરે એક સેટેલાઇટને તોડી પાડ્યું હતું. સ્વદેશમાં બનેલ એન્ટી સેટેલાઇટ મિસાઇલ મારફતે આ સેટેલાઇટને તોડી પાડવામાં આવ્યું હતું.

અંતરિક્ષ વૈજ્ઞાનિક અજય લેલેએ કહ્યું હતું કે, એન્ટી સેટેલાઇટ મિસાઇલની અંદર બારુદનો જથ્થો હોતો નથી અને કાઇનેટિક કિલ વેપન તરીકે કહેવામાં આવે છે. સામાન્ય મિસાઇલના ટિપ ઉપર વોરહેડ મુકવામાં આવે છે. લક્ષ્ય ઉપર ટકરાયા બાદ બ્લાસ્ટ થાય છે જ્યારે એન્ટી સેટેલાઇટ મિશન કાઇનેટિક કિલ મિકેનિઝમ ઉપર કામ કરે છે. તેના વોરહેડ ઉપર એક મેટલ સ્ટ્રિપ હોય છે.

સેટેલાઇટ ઉપર મેટલનો ગોળો પડે છે અને તેને તોડી પાડે છે. આ મિસાઇલ કોઇપણ દેશને અંતરિક્ષમાં લશ્કરી તાકાત ઉપલબ્ધ કરાવવામાં કામ આવે છે. અંતરિક્ષમાં મહાશક્તિ તરીકે ગણાતા દેશોમાં હવે ભારત પણ સામેલ થઇ ગયું છે. અલબત્ત કોઇપણ દેશે યુદ્ધમાં આવી એન્ટી સેટેલાઇટ મિસાઇલનો ઉપયોગ કર્યો નથી.

Share This Article