જૂનાગઢમાં સાધુ- સંતોની દરમિયાનગિરી બાદ ભવનાથ બંધનું એલાન રદ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read
Bhavnath Mahadev Mandir

જૂનાગઢના ભવનાથમાં મહા શિવરાત્રિના મેળા સમયે જ તંત્રએ ડિમોલીશન હાથ ધરતાં ભવનાથ વેપારી એસોસિએશને બંધ પાળ્યો હતો. જોકે, સાધુ-સંતોની દરમિયાનગિરી બાદ બંધનું એલાન રદ કરાયું હોય ભવનાથ ખુલ્લી જતા ફરી ધમધમવા લાગ્યું છે. આ અંગે ભવનાથ વેપારી એસોસિએશનના જયભાઇ આહિરે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા મેળાના સમયે જ ડિમોલીશન હાથ ધર્યું હતું પરિણામે ધંધો કરવો મુશ્કેલ બન્યો હોય તંત્રની આ નિતી સામે વિરોધ વ્યકત કરવા ભવનાથ બંધનું એલાન અપાયું હતું. ખાસ કરીને દુકાનો હટાવી ત્યાં પ્લોટ પાડી ફરી વેંચાણ કરવામાં આવ્યું હતું! ત્યારે દુકાનો વાળા પાસેથી જ નિયત ફિ ઉઘરાવી લેવી જોઇતી હતી ને? વળી, દુકાનોમાં પાણી ન ઘુંસે તે માટે કરેલા ઓટા તોડી નાંખ્યા હતા, વરસાદી પાણી અને તડકો ન આવે તે માટે ઉભા કરેલા છાપરા તોડી નંખાયા હતા. અમારી માંગ હતી કે, શિવરાત્રિ મેળા સુધી વેપાર કરવા દેવામાં આવે પછી કાર્યવાહી કરે. તેમ છત્તાં ડિમોલીશન કરવામાં આવતા આ મુદ્દે બંધનું એલાન અપાયું હતું. જોકે, એક દિવસના સજ્જડ બંધના કારણે ભવનાથમાં પાણીની બોટલ મળવી પણ મુશ્કેલ બની હતી. બંધના બીજા દિવસે ગિરનારના ૩૦ પગથિયા પરની ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરની જગ્યાના સાધુ રામગિરી બાપુએ સાધુ-સંતો વતી દરમિયાનગિરી કરતા બંધનું એલાન પાછું ખેચતા ભવનાથ ફરી ધમધમતું થયું છે.

Share This Article