રિષભ પંતે આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રોમાંચક જીતમાં દિલ્હી કેપિટલ્સ માટે સૌથી વધુ અણનમ ૮૮ રનની ઈનિંગ્સ રમી હતી. આ સાથે ટી ૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ ટીમમાં સિલેક્શનને લઈ તેની દાવેદારી વધુ મજબુત થઈ છે. પંતની વિસ્ફોટક બેટિગથી દિલ્હીએ ૪ વિકેટમાં ૨૨૪ રનનો સ્કોર બનાવ્યો હતો. જ્યારે પાવરપ્લે દરમિયાન ૩ વિકેટ ૪૪ રન હતા. અક્ષર પટેલની સાથે મળી પંતે ૧૧૩ રનની મહત્વની પાર્ટનરશીપ કરી હતી. જેમણે દિલ્હીને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. અક્ષર પટેલે ૬૬ રનની ઈનિગ્સ રમી દિલ્હી કેપિટલ્સને મજબુત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી.
ડેવિડ મિલરની વિસ્ફોટક ૫૫ અને રાશિદ ખાનના ધમાકેદાર પ્રદર્શન બાદ ગુજરાતને ૮ વિકેટ પર ૨૨૦ રન પર દિલ્હીએ રોકી દીધી હતી. આ રોમાચંક મેચમાં ૪ રનથી દિલ્હીએ બાજી મારી હતી. આ દરમિયાન પંત જાેરદાર અંદાજમાં જાેવા મળ્યો હતો અને ત્રીજી અડધી સદી પુરી કરી હતી. આ દરમિયાન તેમણે સિક્સનો વરસાદ કર્યો હતો. મોહિત શર્માની એક ઓવરમાં ૩૧ રન બનાવ્યા હતા. જેમાં ૫ બોલ પર બાઉન્ડ્રી લગાવી હતી અને એક શોટ કેમેરામેનને વાગ્યો હતો. જેના કારણે તે ઈજાગ્રસ્ત થયો હતો. કેમેરામેન મેચ કવર કરી રહ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ જ્યારે મેચ પૂર્ણ થઈ ત્યારે પંતે મોટું દિલ રાખી કેમેરામેનની માફી પણ માગી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દિલ્હીની જીત બાદ આઈપીએલ ૨૦૨૪ના પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. તો ગુજરાત ટાઈટન્સની હાર થતા તે સાતમાં સ્થાને પહોંચી છે.