હોલિવૂડમાં આલિયા ભટ્ટ આ ફિલ્મમાં વિલન બની

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલિવૂડની ક્યૂટ અને ચુલબુલી એક્ટ્રેસ આલિયા ભટ્ટે હોલિવૂડમાં વિલન તરીકે એન્ટ્રી મારી છે. હોલિવૂડ સ્ટાર ગલ ગેડોટ સાથે ‘હાર્ટ ઓફ સ્ટોન’માં આલિયા વિલન તરીકે જોવા મળશે. આલિયાએ આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું, જેમાં તે સુંદર વિલન તરીકે નજરે પડે છે. બોલિવૂડના સૌથી વધુ લોકપ્રિય કપલમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો સમાવેશ થાય છે. દીકરી રાહા અને રણબીર સાથેના બોન્ડિંગ ઉપરાંત ફિલ્મોના કારણે પણ આલિયા ચર્ચામાં રહે છે. પાછલા કેટલાક દિવસથી આલિયાના હોલિવૂડ ડેબ્યુની ચર્ચા હતી. આલિયાને પહેલી વખત ઈંગ્લિશ ફિલ્મમાં જોવા માટે લોકો ઉત્સુક હતા. આલિયાએ રવિવારે સવારે પોતાની પહેલી હોલિવૂડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનનું ટ્રેલર શેર કર્યું છે. ટ્રેલરમાં ગલ ગેડોટ ધમાકેદાર એક્શન કરતી નજરે પડે છે. ટ્રેલરની શરૂઆત ગલ ગેડોટથી થાય છે, જે એક એજન્ટના રોલમાં છે. કેટલાક એક્શન સીન્સ બાદ આલિયાના ચાર સીન્સ જોવા મળે છે.

આલિયાનો લૂક અને બોલવાની સ્ટાઈલ જોતાં તેણે વિલનનો રોલ કર્યો હોવાનું મનાય છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ રુંવાડા ઊભા કરી દે તેવું છે. અગાઉ ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સે હોલિવૂડ ફિલ્મો કરી છે. હવે આ યાદીમાં આલિયાનો પણ સમાવેશ થાય છે. આગામી સમયમાં આલિયાની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની આવી રહી છે. રણવીર સિંહ સાથેની આ ફિલ્મને કરણ જોહરના ધર્મા પ્રોડક્શને બનાવી છે.

Share This Article