ગુજરાતમાં દુષ્કર્મની તટસ્થ તપાસ માટે પાંચ સભ્યોની કમિટિ રચાશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ગુજરાત સરકાર પણ હચમચી ઉઠી છે. આના ભાગરુપે ગુજરાત સરકારે હવે ખુબ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં બનતી દુષ્કર્મોની ઘટનામાં તટસ્થ તપાસ માટે પાંચ સભ્યોની કમિટિની રચના કરવાની આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગૃહવિભાગના અધિક સચિવના અધ્યક્ષસ્થાને કમિટિની રચના કરવામાં આવશે. આ કમિટિ દર ૧૫ દિવસે મળીને સમીક્ષા કરશે. ભોગ બનનારને સહાય રુપે સ્પેશિયલ પીપી અપાશે. તમામ કેસોને ફાસ્ટટ્રેક મોડ પર ચલાવવા ગુજરાત હાઈકોર્ટને વિનંતી કરવામાં આવશે. ભોગ બનનારને વિકટીમ કોમ્પેન્સેશન ફંડ હેઠળ સહાય અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યમાં બનતા દુષ્કર્મોની ઘટના સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણી સંપૂર્ણ સંવેદનશીલ છે. ઘટનાઓની તટસ્થ અને ન્યાયિક તપાસ થાય તથા ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને પાંચ સભ્યોની એક કમિટી રચવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુષ્કર્મોની ઘટનાઓને દુઃખદ ગણાવીને કસુરવારોને કડકમાં કડક સજા થાય તથા ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે.

આ કમિટી દર પંદર દિવસે મળશે અને તે અંગે વિસ્તૃત સમીક્ષા કરશે અને ભવિષ્યમાં આવા બનાવો અટકે તે માટે હાલની પ્રવર્તમાન ગાઇડ્‌સ લાઇન્સમાં સુધારા-વધારા પણ સૂચવશે. તેમણે ઉમેર્યું કે આ કમિટી રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષે રચાશે જેમાં ગૃહ વિભાગના સચિવ, કાયદા વિભાગના સચિવ, રાજ્યના ડી.જી.પી. અને સી.આઇ.ડી.ક્રાઇમના એડીશનલ ડી.જી.પી. સભ્ય તરીકે રહેશે. મંત્રીએ ઉમેર્યું કે દુષ્કર્મમાં ભોગ બનનારને સહાયરૂપ થવા માટે તથા ઝડપી અને ન્યાયિક તપાસ થાય તે માટે તેમને પેરવી ઓફિસરની સેવાઓ પુરી પડાશે. દુષ્કર્મના કેસોનો ઝડપી નિકાલ આવે અને કસુરવારોને સજા થાય તે માટે આવા કેસોને ફાસ્ટ ટ્રેક મોડ પર ચલાવવા માટે ગુજરાત હાઇકોર્ટને વિનંતી પણ કરાશે. ઉપરાંત ભોગ બનનારને સહાયરૂપ થવા માટે વિક્ટીમ કોમ્પેનસેશન ફંડ હેઠળ સહાય પણ આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું છે. ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા ખાતે બનાવના સ્થળ નવલખી ગ્રાઉન્ડની જાત મુલાકાત કરી ઉચ્ચ પોલીસ અધિકારી પાસેથી બનાવની ઝીણવટભરી વિગતો મેળવી હતી.

તેમજ આવી ઘટના ફરી ન બને તકેદારીરૂપે અધિકારીઓને સૂચનાઓ આપીને શહેરમાં કોઈ પણ અવાવરૂ જગ્યાએથી ઝાડી-ઝાખરાની સફાઈ કરવામાં આવે અને તેવા સ્થળે લાઈટીંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવે અને જરૂરીયાત જણાતા મહત્વના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાડવા માટે ગ્રાન્ટની જરૂરીયાત હશે તો રાજ્ય સરકાર ગ્રાન્ટ પણ ફાળવશે તેમ તેમણે ઉમેર્યું હતું. દુષ્કર્મની તપાસની સંદર્ભમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યની પોલીસ ઘાસના ઢગલાંમાંથી સોય કાઢવા માટે સક્ષમ છે. વડોદરા શહેર પોલીસ તો ઘટનાની તપાસ કરી રહી છે પણ તેમની મદદ માટે ક્રાઈમ બ્રાંચના ચુનીંદા અધિકારીઓની મદદ લેવામાં આવી રહી છે. શહેર પોલીસ ૮૦૦થી વધુ સંદિગ્ધોની પુછપરછ પણ હાથ ધરી છે ત્યારે આરોપીને વહેલી તકે પકડીને ફાંસીના માચડે પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સાથે-સાથે પડિતાને વિક્ટિમ કમ્પેનશેસન ફંડમાંથી મહત્તમ સહાય મળે તે માટેની કાર્યવાહી કરાઈ છે.

Share This Article