નવી દિલ્હી : વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોકસી બેન્કોથી લોન લઈને ફરાર થનાર લોકોમાં સૌથી ચર્ચાસ્પદ છે પરંતુ તેમના ઉપરાંતમાં એવા કેટલાક લોકો છે જે હાલમાં ફરાર છે. કેન્દ્ર સરકારની તરફથી લોકસભામાં માહિતી આપવામાં આવી ચુકી છે કે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ૨૭ ડિફોલ્ટર કારોબારી આર્થિક અપરાધ કરીને દેશની બહાર ફરાર થઈ ગયા છે. નાણા રાજ્યમંત્રી શિવપ્રતાપ શુકલાએ કહ્યું છે કે આ ૨૭ અપરાધીઓમાંથી ૨૦ની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે ભારતે ઈન્ટરપોલનો સંપર્ક કર્યો છે. ઈન્ટરપોલ તરફથી આઠ લોકોની સામે રેડ કોર્નર નોટિસ જારી કરાઈ છે.
જ્યારે છની સામે સંબંધિત દેશોથી પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી ચુકી છે. મંત્રીએ કહ્યું છે કે ઈડીના કહેવા મુજબ ફરાર આર્થિક અપરાધી એક્ટ ૨૦૧૮ હેઠળ સાત લોકોની સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે. શુકલાએ કહ્યું હતું કે લંડનના વેસ્ટ મિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે યુનાઈટેડ કિંગડમને આદેશ કર્યો છે કે વિજય માલ્યાને ભારત સોંપી શકાય છે. એટલું જ નહીં સરકારને પણ આદેશ કરવામાં આવ્યો છે કે ૫૦ કરોડથી વધુની લોન લેનાર પ્રમોટર્સ અને ડિરેક્ટરોના પાસપોર્ટની પ્રમાણિત કોપી જમા કરી લેવામાં આવે. આર્થિક અપરાધીઓ દેશની બહાર ફરાર ન થઈ શકે તે માટે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે.
લોકસભામાં આ અંગેની માહિતી આપવામાં આવ્યા બાદ એમ માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ડિફોલ્ટરો અને ફરાર આર્થિક અપરાધિઓ સામે વધુ કઠોર કાર્યવાહી થશે.