રાજધાનીમાં દિલ્લીમાં ઘરમાંથી એક જ પરિવારના 11 વ્યક્તિઓના મૃતદેહો મળી આવતા અરેરાટી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

રાજધાની દિલ્હીમાં એક મકાનમાં એક જ પરિવારના ૧૧ લોકોના મૃતદેહો મળી આવ્યા છે જેમાં ૧૦ મૃતદેહો લટકતી હાલતમાં જ્યારે એક નીચે પડેલો મળ્યો હતો. ૧૧ મૃતકોમાં ૭૭ વર્ષીય વૃદ્ધા સહીત સાત મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જ્યારે બે ૧૫ વર્ષના બાળકોના મૃતદેહ પણ લટકતી હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે સ્થાનિકોએ કરેલ જાણ પછી ઉત્તર દિલ્હીના બુરારી વિસ્તારમાં એક મકાનમાં એક જ પરિવારના કેટલાક લોકોએ આત્મહત્યા કરી લીધી છે. જે બાદ તપાસ કરતા ૧૦ મૃતદેહો લટકતી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે વૃદ્ધાનો મૃતદેહ નીચે જમીન પર પડયો હતો.   આખો પરિવાર આ ઘરમાં સાથે રહેતો હતો જેમાં ૭૭ વર્ષીય નારાયણી દેવીનો પુત્ર અને વહુ આ ઉપરાંત તેની દિકરી અને તેના પુત્રના દિકરા અને તેના દિકરા એમ મળી ત્રણ પેઢીના ૧૧ સભ્યોના મૃતદેહો ઘરમાંથી મળી આવ્યા છે. આ ઘરનો વહીવટ ૭૭ વર્ષીય વૃદ્ધાના બે પુત્રો ૫૦ વર્ષીય ભાવેશ અને ૪૫ વર્ષના લલીત ચલાવતા હતા.

સ્થાનિક પાડોશી ગુરચરણસિંહે મીડિયાને જણાવ્યું હતું કે ભાવેશ ઘરની નીચે જ એક દુકાન ચલાવતા હતા. જ્યાં તેઓ દુધ જેવી ઘરેલુ વસ્તુઓ વેચતા હતા. સવારે છ વાગ્યે તેઓ દુકાન ખોલી નાખતા હતા પણ ઘટનાના દિવસે તેઓએ દુકાન નહોતી ખોલી.  ગુરચરણસિંહે જણાવ્યું હતું કે તેમની દુકાને વસ્તુ આપવા આવેલ વેન ડ્રાઇવરની સાથે મે બાદમાં ભાવેશભાઇના દુકાન ઉપર આવેલા ઘરની તપાસ કરી તો અમે ચોંકી ઉઠયા હતા. ભાવેશભાઇ સહીત તેમના પરિવારના ૧૦ લોકોના મૃતદેહો લટકતા જોયા અમે. બાદમાં તાત્કાલિક અમે પોલીસને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો. મોટા ભાગના મૃતદેહો દુપટ્ટાથી લટકતા હતા. જ્યારે ભાવેશના ભાઇ લલીતનો મૃતદેહ ટેલિફોનના વાયર વડે લટકતો હતો. આ ઘટના બાદ એક દુરના પરિવારના સભ્ય સુજાતાએ જણાવ્યું હતું કે મારો આખો પરિવાર બહુ જ ખુશ હતો, કોઇએ મારા પરિવારની હત્યા કરી છે.  પોલીસે આ સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરી છે. આ ખરેખર આત્મહત્યા છે કે હત્યા છે તેમ બન્ને એંગલથી દિલ્હી ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભાજપના દિલ્હીની ચીફ મનોજ તિવારી મૃતકોના ઘરે અને પાડોશીઓની મુલાકાતે ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. આ ઘટના બહાર આવ્યા બાદ દિલ્હીમાં લોકોમાં અરેરાટી જોવા મળી રહી છે.

TAGGED:
Share This Article