કીર્તિદાન ગઢવી અત્યારે કેનેડાની ટૂર પર છે. કેનેડામાં પાંચ જગ્યાએ રાસ-ગરબાના પ્રોગ્રામનું આયોજન થયું હતું. ૧૫ ઓક્ટોબરે વિન્ડસરમાં કીર્તિદાને ગરબાની રમઝટ બોલાવી હતી, સાથે જ આ પ્રોગ્રામમાં ખેલૈયાઓને એક ખાસ સરપ્રાઈઝ આપવામાં આવી હતી, જે જોઈ સૌથી કોઈ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. આ પ્રોગ્રામમાં સ્પેશિયલ અમેરિકાથી ” અમેરિકાનો કમો ” આવ્યો હતો. ગુજરાતના કોઠારિયાના કમાની જેમ જ આબેહૂબ દેખાતો આ કમો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કમાને જોઈને લોકોમાં ઉત્સાહ વધી ગયો હતો. અમેરિકન કમાએ પણ ‘પુષ્પા’ સ્ટાઈલમાં ડાન્સ કરી લોકોનાં દિલ જીતી લીધા હતા.
૧૫ ઓક્ટોબર કીર્તિદાન ગઢવીનો પ્રોગ્રામ વિન્ડસરમાં યોજાયો હતો. એ પ્રોગ્રામના ઓર્ગેનાઇઝર જય સરદાર ગ્રુપ તેમજ સિદ્ધિ એન્ટરટેઇનમેન્ટ ઓર્ગેનાઇઝર તરફથી કરવામાં આવ્યું હતું. એના ઓર્ગેનાઇઝર હતા મનોજ પટેલ, તેઓ મૂળ કલોલના હાલ કેનેડા સ્થિત છે. તેઓ દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કીર્તીદાન ગઢવી દ્વારા અમેરિકાથી કમો બોલાવવામાં આવ્યો હતો. હાલમાં ગુજરાતમાં જે કમો ધૂમ મચાવી રહ્યો છે એમ આ કમાએ પણ પોતાના ડાન્સ પર્ફોર્મન્સથી લોકોનાં દિલ જીતી લીધા હતા. અમેરિકાથી સ્પેશિયલ વિન્ડસર ખાતેના પ્રોગ્રામમાં હાજરી આપવા આવેલા આ કમાએ એક કલાક હાજરી આપીને પરત અમેરિકા જતો રહ્યો હતા.
મૂળ સુરત ખાતેના બારડોલી સાગર મહેશભાઈ પટેલ જેવો વર્ષોથી અમેરિકામાં સ્થાયી છે. સાગર પટેલ અમેરિકામાં ઓક્લાહોમામાં રહે છે. તેઓ પણ હેન્ડિકેપ છે. તેઓ વધારે બોલી શકતા પણ નથી. થોડું થોડું બોલે છે અને અમેરિકામાં પણ તેઓ કોઈ સંસ્થામાં રહે છે. જ્યારે તેઓ સ્ટેજ ઉપર આવ્યા ત્યારે લોકોમાં ઉત્સાહ વધી ગયો હતો તેમજ અમેરિકાના આ કમા ( સાગર પટેલ ) પર ડોલરનો વરસાદ લોકો દ્વારા કરી દેવામાં આવ્યો હતો. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દરેક ડાયરામાં ‘કમો’ નામ ભારે ચર્ચામાં છે. તદુપરાંત કોઈ મોટી સેલિબ્રિટીની જેમ બેન્ટલી, રોલ્સરોઇસ કારમાં ‘કમો’ એન્ટ્રી પાડે એના પણ વીડિયો વાઈરલ થયા છે. હવે નોરતાં આવતાં તો ‘કમા’નો ક્રેઝ આસમાને પહોંચી ગયો છે. કમો તો ભાઇ કમો કહેવાયપમોજ આવે તો બોલે, બાકી નો પણ બોલેપ આવાં સૂત્રો ફરતા થયાં છે.
પહેલાં ગામડામાં લઘરવગર ફરતો કમો મોટી સેલિબ્રિટીની જેમ સૂટ-બૂટમાં એન્ટ્રી પાડે છે. તેની સાથે એક સેલ્ફી લેવા લાખો લોકો પડાપડી કરે છે. ‘કમો’ આમ તો સુરેન્દ્રનગરના કોઠારિયા જેવા નાના ગામનો વતની, પરંતુ આજે તેની કીર્તિ કોઠારિયાથી કેનેડા સુધી પહોંચાડવાનું સંપૂર્ણ શ્રેય જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીને જાય છે. જે રીતે ‘પારસ’ના સ્પર્શથી પથ્થર ‘સોનું’ બની જાય એમ કીર્તિદાનના સ્નેહભર્યા સ્પર્શથી નાનકડા ગામનો ‘કમો’ હવે ડાયરા અને નોરતાંમાં સ્ટેજની શાન બની ચૂક્યો છે. જેણે ક્યારેય સ્ટેજ પર જવાનું સ્વપ્ન પણ નહોતું જોયું તે ‘કમા’ની એક ઝલકના આજે લાખો લોકો દિવાના છે ‘કમો’ એટલે કમલેશ નરોત્તમભાઈ નકુમ. તેની ઉંમર ૨૬ વર્ષ છે અને તેના પિતા નરોત્તમભાઇ ખેડૂત છે. કમાને ૨ મોટા ભાઇ છે, જેમનું નામ સુરેશ અને સંજય. બન્ને ભાઈ લાદી ટાઇલ્સનું કામ કરે છે. કમો તેના કોઠારિયા ગામના શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમમાં સેવાનું કામ કરે છે. થોડા સમય પહેલાં કમાની કિસ્મતે પલટી મારી અને કીર્તિદાન ગઢવીનો ભેટો થઈ ગયો. કીર્તિદાને હાથ પકડતાં જ કમો એવો તે સેલિબ્રિટી બની ગયો કે આજે ‘કમા’ને મળવા એપોઇન્ટમેન્ટ લેવી પડે છે.