અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા વધુ ને વધુ નાગરિકો કેશલેસ વ્યવહાર માટે પ્રેરાય તે માટે ગત તા.૧ સપ્ટેમ્બરથી આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધી રૂ.પ૦ અને રૂ.૭પના જનમિત્ર કાર્ડ મફતમાં આપવાની જાહેરાત કરાઇ હતી, પરંતુ તંત્રની અન્ય જાહેરાતની જેમ આ જાહેરાતના ઢોલની પોલ ખૂલી પડી ગઇ હતી. જા કે, હવે જનમિત્ર ફ્રી કાર્ડની નિર્ધારિત મુદત તા.૩૦મી સપ્ટેમ્બરે પૂર્ણ થતી હોઇ અમ્યુકો સત્તાધીશોએ હવે આ મુદતમાં વધારો કરી આપવાની દિશામાં સક્રિય વિચારણા હાથ ધરી છે અને તેની જાહેરાત એકાદ બે દિવસમાં કરી દેવાય તેવી શકયતા છે.
શહેરીજનોને જનમિત્ર કાર્ડ મેળવવામાં ભારે મુશ્કેલીઓ પડી હતી. પ્રારંભના પંદર દિવસ તો અનેક પ્રકારના ધાંધિયા જોવા મળ્યા હતા. ખુદ આઇસીઆઇસીઆઇ બેન્કની શાખાઓમાં જનમિત્ર કાર્ડ પહોંચ્યા ન હતા, જેના કારણે હવે તંત્ર દ્વારા ફ્રી જનમિત્ર કાર્ડની મુદતમાં વધારો કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. આઇસીઆઇસીઆઇ બેન્કની અનેક શાખામાં જનમિત્ર કાર્ડ ન પહોંચવા જેવા ધાંધિયાથી નાગરિકો પંદર-પંદર દિવસ સુધી તોબા પોકારી ઊઠ્યા હતા છેવટે સત્તાવાળાઓ હરકતમાં આવતા હવે સરળતાથી ફ્રી જનમિત્રકાર્ડનું વિતરણ થઇ રહ્યું છે, પરંતુ હવે સત્તાવાળાઓએ આ યોજનાની અગાઉ નિર્ધારિત કરેલી તા.૩૦ સપ્ટેમ્બરની નિર્ધારિત મુદતમાં વધારો કરવાની દિશામાં ક્વાયત આરંભી છે.
આ અંગે પૂછતાં સ્માર્ટસિટી પ્રોજેક્ટનો હવાલો સંભાળતા મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનર રાકેશ શંકરે જણાવ્યું હતું કે, તા.૩૦ સપ્ટેમ્બરની અંતિમ તારીખની મુદતમાં વૃદ્ધિ કરવા અમે આઇસીઆઇસીઆઇ બેન્કના ટોચના અધિકારીઓ સાથે મંત્રણા શરૂ કરી હોઇ તેમાં અુમક સમયનો વધારો થઇ શકે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં એક લાખથી વધારે જનમિત્રકાર્ડ નીકળ્યા હોઇ જે નાગરિકોને નવેમ્બર ર૦૧૭ની જૂની તારીખના કાર્ડ મળ્યા છે તેમને પણ છેલ્લી તારીખ સુધીમાં જરૂરી વધારો કરી આપવા સોફટવેરમાં સુધારો કરાઇ રહ્યો છે.