પટણા : બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસમાં બેઠકોની વહેંચણીને લઇને ચાલી રહેલા વિવાદનો અંત આવી ગયો છે. પટણામાં આજે સવારે પત્રકાર પરિષદ યોજીને આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના ભુતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે લોકસભા સીટને લઇને હિસ્સેદારીની જાહેરાત કરી હતી. બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા હેઠળ સૌપોલ અને પટણા સાહિહ લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાં રહેશે.
પત્રકાર પરિષદમાં તેજસ્વી યાદવે કહ્યુ હતુ કે મહાગઠબંધન અતુટ છે. અમે પહેલા પણ કહી ચુક્યાછીએ કે આ ગઠબંધન જનતાના દિલોના ગઠબંધન તરીકે છે. આવનાર લડાઇ બંધારણ બચાવવા માટેની લડાઇ છે. લોકશાહી બચાવવા માટેની લડાઇ છે. ન્યાય અને અન્યાયની લડાઇ છે. બેઠકોની કરવામાં આવેલી વહેંચણી મુજબ આરજેડીની પાસે ૧૯ સીટો રહેલી છે. જ્યારે કોંગ્રેસની પાસે નવ સીટો રહેલી છે. અન્ય દળોની પાસે ૧૨ સીટો રહેલી છે. છેલ્લા કેટલાક સમયથી તેમની વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી.
કોંગ્રેસ પાર્ટી કિશનગંજ, કટિહાર, પુર્ણિયા, સમસ્તીપુર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરનાર છે. અન્ય પક્ષોને પણ કુલ મળીને ૧૨ સીટો મળી ગઇ છે. બિહારમાં મહાગઠબંધન અને એનડીએ વચ્ચે મુખ્ય ટક્કર છે. લાલુની ગેરહાજરીમાં આ ચૂંટણી યોજાઇ રહી છે.