કોલકતા : લોકસભા ચૂંટણીમાં મોટો ફટકો પડ્યા બાદ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હચમચી ઉઠ્યા છે. મુખ્યમંત્રીએ પાર્ટીના ખરાબ દેખાવ બાદ હવે મહત્વપૂર્ણ બેઠકો શરૂ કરી છે. તમામ નેતાઓની બેઠક શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે મોદી લહેર વચ્ચે જોરદાર દેખાવ કરીને ૧૮ બેઠકો ઉપર કબ્જા જમાવી દીધો છે. મમતા બેનર્જીના ગઢમાં ભારતીય જનતા પાર્ટીએ મોટા ગાબડા પાડી દીધા છે. ટીએમસી અગાઉના દેખાવને ફરી પૂનરાવર્તન કરવામાં સફળ રહી નથી. મમતા બેનર્જી પણ ભારે પરેશાન દેખાઈ રહ્યા છે. પાર્ટીની હાલતને જોઈને તેમને ચિંતા વધી ગઈ છે.
ચૂંટણી પરિણામ બાદ ઉભી થયેલી સ્થિતિ ઉપર ચર્ચા કરવા બેઠકો શરૂ થઈ ચુકી છે. આવતી કાલે પણ મમતા બેનર્જીએ કોલકત્તાના કાલીઘાટ ખાતે પોતાના આવાસ ઉપર શનિવારના દિવસે મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાર્ટીના તમામ મોટા નેતાઓ ઉપસ્થિત રહેનાર છે. એમ માનવામાં આવે છે કે આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં ટીએમસીના ધારાસભ્યોને પણ બોલાવવામાં આવ્યા છે. રાજ્યમાં બે વર્ષ બાદ એટલે કે ટૂંકમાં જ ચૂંટણી યોજાનાર છે. વિધાનસભા ચૂંટણીમાં આ વખતે મમતા બેનર્જી પાસેથી સત્તા આંચકી લેવા માટે ભાજપે જોરદાર તૈયારી કરી લીધી છે.
ભારતીય જનતા પાર્ટીએ આ વખતે મત હિસ્સેદારી પણ વધારી દીધી છે. ટીએમસી અને ભાજપ વચ્ચે મત હિસ્સેદારીમાં માત્ર ૩ ટકાનું અંતર છે. લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ૪૦.૩ ટકા મત હિસ્સેદારી મળી છે. તેને ૨ કરોડ ૩ લાખ ૨૮ હજાર ૩૪૩ મત મળ્યા છે. જ્યારે ટીએમસીને ૪૩.૩ ટકા મત હિસ્સેદારી મળી છે. ભાજપની મત હિસ્સેદારીમાં ૨૦૧૪ની સરખામણીમાં ૨૩ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.