કોલકત્તા : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આયુષ્માન ભારત યોજનાથી દુર થવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે જાહેરાત કરી છે કે હવે રાજ્ય યોજના માટે ૪૦ ટકા ફંડની રકમ આપશે નહીં. તેમણે કહ્યુ હતુ કે જો કેન્દ્ર સરકાર આ યોજનાને આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે તો પૂર્ણ રકમ કેન્દ્ર સરકારને આપવી પડશે.
આયોજના ૨૫મી સપ્ટેમ્બર ૨૦૧૮થી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી હતી. બીજી બાજુ કેન્દ્ર સરકારના અધિકારીઓનુ કહેવુ છે કે તૃણમુળ કોંગ્રેસ સરકારે આ સંબંધમાં કેન્દ્રને પત્ર લખીને જાણ કરી દીધી છે. રાજ્ય સરકારે કહ્યુ છે કે યોજનાથી બહાર થઇ ગયા પછી બંગાળ સરકારના નિર્ણયને લઇને જાહેરનામુ જારી કરવામાં આવનાર છે. મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ કરતા કહ્યુ છે કે તેઓ રાજ્યના યોગદાનની અવગણા કરીને આરોગ્ય યોજનાઓ માટે તમામ ક્રેડિટ પોતે લઇ રહ્યા છે.
તેમણે કહ્યુ છે કે પોસ્ટ મારફતે બંગાળના લોકોને પત્ર લખીને યોજનાની ક્રેડિટ મોદી પોતે લઇ રહ્યા છે. આ પત્રો પર મોદીના ફોટો લાગેલા છે. મમતા બેનર્જીએ કહ્યુ છે કે જો ક્રેડિટ તેઓ લઇ રહ્યા છે તો તેમના પૈસા પણ વડાપ્રધાન આપે તે જરૂરી છે. મમતાએ કહ્યુ હતુ કે અમારી પાસે આયુષ્માન કરતા પણ સારી યોજના રહેલી છે. જેનુ નામ આરોગ્યશ્રી રાખવામાં આવ્યુ છે.
મમતાએ કહ્યુ હતુ કે બંગાળમાં કોઇને પણ સારવાર માટે પૈસા ચુકવવા પડતા નથી. મમતા બેનર્જીના આ નિર્ણયના કારણે તેમની ચારેબાજુ ટિકા થાય તેવી શક્યતા છે. કારણ કે આયુષ્માન ભારત યોજના હેઠળ મોટી સંખ્યામાં લોકો લાભ ઉઠાવી રહ્યા છે.