બનાસકાંઠામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં નજીવી બાબતે એક પુત્ર એ પોતાની માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યાર બાદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
આ ઘટના વડગામ તાલુકાના શેરપુરા ગામ ખાતે પુત્રએ પોતાની માતાની સામાન્ય બાબતમાં હત્યા કરી દીધી હતી. ગત બુધવારના રોજ 50 વર્ષીય મધુબહેન કટારિયા ઘરની આગળ વાસણ ઘસી રહ્યા હતા, તેવામાં તેમનો 26 વર્ષીય પુત્ર પરિમલ આવીને મધુબહેનને આડેધડ માથાના ભાગે પાવડાના ઘા મારવા લાગ્યો હતો. આ ઘટનામાં મધુબહેનનું મોત નીપજ્યું હતું. પોતાની જનેતાને મોતને ઘાટ ઉતાર્યા બાદ આરોપી પુત્ર દાંતા પોલીસ સ્ટેશન ખાતે આત્મ સમર્પણ કરવા પહોંચ્યો હતો. જો કે, આરોપી વડગામ પોલીસ સ્ટેશન હદમાં આવતો હોવાથી વડગામ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો કે, આ સમગ્ર મામલે આરોપીના પિતાએ જણાવ્યું હતું કે, ‘પરિમલનો છેલ્લા બે વર્ષથી ચીડિયો સ્વભવ થઈ ગયો હતો અને તે લોકો સાથે ઝઘડો કર્યા કરતો હતો. બનાવની દિવસે માતા-પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી.‘