ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાને લઈને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન સામે આવ્યું છે. પ્રધાને કહ્યું કે દુર્ઘટના સમયે ટ્રેક પર ત્રણ નહીં પરંતુ ચાર ટ્રેન હતી. આ દુર્ઘટનામાં ચોથી ટ્રેનના એન્જિનને નુકસાન થયું છે. ચોથી ટ્રેન ગુડ્ઝ ટ્રેન હતી. જેનું એન્જિન બગડી ગયું છે. શુક્રવારે થયેલા આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં ૨૮૮ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ૧૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અને હવે રેલવે લાઇન પર રેલ સેવા પુનઃસ્થાપિત કરવા માટે ટ્રેક ગોઠવવાનું કામ ચાલી રહ્યું છે. વાસ્તવમાં, અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે ટક્કર ત્રણ ટ્રેન વચ્ચે થઈ હતી, ત્યાં એક ગુડ્સ ટ્રેન હતી જ્યારે બે પેસેન્જર ટ્રેન હતી, પરંતુ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે ટ્રેક પર ત્રણ ટ્રેન નહોતી. અકસ્માત સમયે ચાર ટ્રેનો હતી. તેમાં બે પેસેન્જર અને બે ગુડ્સ ટ્રેન હતી. ચોથી ટ્રેનને વધારે નુકસાન થયું નથી, માત્ર એન્જિનને નુકસાન થયું છે.
અકસ્માત બાદ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ધર્મેન્દ્ર પ્રધાન પણ બાલાસોરમાં ઘટનાસ્થળે પહોચ્યા હતા. પ્રધાને વધુમાં કહ્યું કે શક્ય તેટલી વહેલી તકે સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવાની જવાબદારી અમારી છે. આ માટેની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. રેલવે દ્વારા ફ્રી ટ્રેનો પણ ચલાવવામાં આવી રહી છે અને લોજિસ્ટિક સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. મૃત્યુઆંક ૨૮૦ ને વટાવી ગયો છે. અકસ્માત પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે અકસ્માત પાછળનું કારણ શું હતું તે જાણી શકાયું છે. અકસ્માતનું મૂળ કારણ શોધી કાઢવામાં આવ્યું છે. સેફ્ટી કમિશનર ટૂંક સમયમાં તેમનો રિપોર્ટ આપશે. અમે ટ્રેક પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. બુધવાર સવાર સુધીમાં ટ્રેકને પુનઃસ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે, જેથી કરીને ટ્રેન ટ્રેક પર ચાલુ થઈ શકે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઓડિશા પહોંચી ગયા છે. રવિવારે તેઓ ભુવનેશ્વરની હોસ્પિટલમાં દાખલ ઘાયલ મુસાફરોને મળ્યા હતા. માંડવિયાએ જણાવ્યું કે આ અકસ્માતમાં ૧૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાંથી ૧૦૦ થી વધુ મુસાફરોને ગંભીર સારવારની જરૂર છે. ઈજાગ્રસ્તોની સારવાર માટે દિલ્હી એઈમ્સ અને રામ મનોહર લોહિયા હોસ્પિટલથી ડોક્ટરોની ટીમ આવી પહોંચી છે.