મેરઠમાંથી વધુ એક મોટો હત્યાકાંડ સામે આવ્યો છે જેમાં અકબરપુર સાદાત ગામમાં એક મહિલાએ પોતાના પ્રેમીની મદદથી પોતાના જ પતિની હત્યા કરી અને પછી એવું નાટક રચ્યું જેનાથી લોકોને એવું જ લાગે કે તેનું મૃત્યુ સાંપના કરડવાથી થયું છે. હત્યા છુપાવવા માટે મૃતક અમિત કશ્યપના પલંગ નીચે સાંપ છોડી દેવામાં આવ્યો હતો. પહેલી નજરે તો પોલીસને એવું જ લાગ્યું કે, અમિતનું મૃત્યુ સાંપના કરડવાથી થયું છે, પરંતુ પરિવારને શરૂઆતથી જ કાવતરું ઘડાયું હોવાની શંકા હતી. તેમની વિનંતી પર અમિત કશ્યપનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને જ્યારે રિપોર્ટ આવ્યો, ત્યારે તેમાં સંપૂર્ણ સત્ય બહાર આવ્યું.
આ મામલે પોલીસ કહ્યું હતું કે, રવિવારે મિક્કી ઉર્ફે અમિત કશ્યપનો મૃતદેહ તેના પલંગ પરથી મળી આવ્યો હતો. તેની પાસેથી જ એક સાપ પણ મળી આવ્યો હતો અને તેના શરીર પર ઘણી જગ્યાએ ડંખના નિશાન મળી આવ્યા હતા. આ કારણે પડોશીઓ અને પોલીસે તરત જ માની લીધું કે, અમિતનું મૃત્યુ સાંપ કરડવાથી થયું છે. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પરિવારની શંકા સાચી સાબિત થઈ. રિપોર્ટમાં ખુલાસો થયો કે, અમિતનું મૃત્યુ સાપના ડંખથી નહીં પણ ગૂંગળામણથી થયું હતું. આ વાત સામે આવતાની સાથે જ પોલીસે તપાસ હાથ ધરી. અંતે, જ્યારે તેને અમિતની પત્ની રવિતાનું વલણ શંકાસ્પદ લાગ્યું, ત્યારે પોલીસે તેની ધરપકડ કરી અને તેની પૂછપરછ શરૂ કરી. ત્યાર પછી તેના પ્રેમી અમરદીપની પણ ધરપકડ કરી લેવામાં આવી. પછી બંનેએ કબૂલાત કરી કે, ‘અમે અમિતની હત્યા સાથે મળીને કરી હતી અને અમે બંને રિલેશનશિપમાં હતા.‘
આ મામલે મેરઠ ગ્રામીણ એસપી રાકેશ કુમાર મિશ્રાએ જણાવ્યું કે, ‘અમરદીપે 1000 રૂપિયામાં એક સાંપ ખરીદ્યો હતો. તેણે આ સાપ મેરઠના મહમૂદપુર શીખેડા ગામના એક સપેરા પાસેથી લીધો હતો. હત્યાની રાત્રે રવિતા અને અમરદીપ અમિત કશ્યપના જમ્યા પછી સૂઈ જવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારબાદ આ બંનેએ તેની હત્યા કરી નાખી અને પછી સાંપને તેના શરીર પર છોડી દીધો, સાંપે અમિતને ઘણા ડંખ માર્યા. આ બંને લોકોને એવું બતાવવા માગતા હતા કે અમિતનું મૃત્યુ સાંપ કરડવાથી થયું છે. ત્યાં એકઠા થયેલા લોકોએ સ્વીકારી પણ લીધું કે અમિતને સાંપ કરડ્યો હતો અને તેના કારણે જ તેનું મૃત્યુ થયું હતું, ત્યાં સુધીમાં બંનેએ પોતાના ઉદ્દેશ્યમાં સફળતા પણ મેળવી લીધી હતી. સાંપને પકડવા માટે એક સપેરાને પણ બોલાવવામાં આવ્યો અને તેણે પણ કહ્યું કે, અમિતનું મૃત્યુ સાંપ કરડવાથી થયું છે. પછી વન વિભાગે તે સાંપને જંગલમાં છોડી દીધો.
તો પણ પરિવારના લોકોને વિશ્વાસ નહોતો. તેમને ષડયંત્રની આશંકા હતી. કેટલાક ગ્રામીણોએ પણ પોસ્ટમોર્ટમની સલાહ આપી તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. પછી જ્યારે હત્યાનો ખુલાસો થયો તો પોલીસે રવિતા અને અમરદીપ બંનેની ધરપકડ કરી લીધી. બંનેએ જણાવ્યું કે, અમે એક વર્ષથી રિલેશનશિપમાં હતા. અમિત સાથે જ મજૂરી કામ કરતો અમરદીપ ઘણી વખત તેના ઘરે આવતો હતો. ગ્રામીણોને પહેલાથી જ તેમના પર શંકા હતી. આ જ કારણોસર અમિતના અચાનક મોત પર લોકોને શંકા ગઈ. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, અમિતને થોડા સમય પહેલા જ પત્નીના અફેરની જાણ થઈ હતી અને તે તેનો વિરોધ કરતો હતો. આ જ કારણોસર કપલે તેની હત્યા કરી નાંખી. આ હત્યા પહેલા બંનેએ ગૂગલ અને યૂટ્યુબ પર હત્યાની રીત પણ જોઈ હતી.