અમદાવાદમાં વાડજનો રામાપીરનો ટેકરો તોડવા મુદ્દે વિરોધ, સ્થાનિકો કલેક્ટર કચેરી પહોંચ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા ખાતે સ્લ્મ રીડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત મકાનો તોડવા માટે સ્થાનિક લોકોએ અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ ભેગા મળી રામાપીરનો ટેકરો તોડવા મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. કલેકટરને આવેદનપત્ર આપી તેઓએ રજૂઆત કરી હતી કે, અમારા રામપીરના ટેકરાને તોડવામાં ન આવે. આ મામલે રામાપીરના ટેકરાના રહેવાસી નરેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રામાપીરનો ટેકરો તોડવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો છે તે તાત્કાલિક રદ કરવામાં આવે અને સ્થાનિકોનો સાચો સર્વે કરવામાં આવે.

રામાપીરના ટેકરા પર ૧૫ હજારથી વધુ પરિવારો રહે છે અને  જો સત્તાના  જોરે અને બિલ્ડરોના ફાયદા માટે આ રીતે મકાનો તોડવામાં આવશે તો અમારે આત્મવિલોપન કરવું પડશે. રામાપીરનો ટેકરો તોડવા મુદ્દે જે ગેરરેતી અને ભ્રષ્ટાચાર થાય છે તે રોકવામાં આવે એવી અમારી માંગ છે. વર્ષ ૨૦૧૬થી આ રામાપીરના ટેકરાનો આ વિવાદ ચાલે છે. ૩,૭૦૦થી વધુ અમે વાંધા અરજીઓ રજુ કરી છે. છતાં પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ એસ્ટેટ વિભાગનો દુરુપયોગ કરી અને રામાપીરના ટેકરાના મકાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્લ્મ ક્લિયરન્સના નામે રામાપીરનો ટેકરો તોડવાને લઈ અમારો વિરોધ છે. સ્થાનિક લોકોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે, છેલ્લા ૫૦ વર્ષથી હજારો પરિવારો રામાપીરના ટેકરા પર રહે છે.

સ્લમ એરીયા એક્ટ મુજબ જે પણ લોકોને નોટિસ આપવામાં આવી હતી તેમાં ૩૭૦૦થી વધારે વાંધા અરજીઓ સ્થાનિક લોકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેનો કોઈપણ પ્રકારનો જવાબ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા આપવામાં આવ્યો નથી. પોલીસ અને એસ્ટેટ વિભાગનો દુરુપયોગ બિલ્ડરો દ્વારા કરી અને હજારો મકાનો પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક રહીશો દ્વારા જે પણ અસમતિપત્રો રજૂ કરવામાં આવ્યા છે, તેને ધ્યાને લેવામાં આવ્યા નથી અને બિલ્ડરો દ્વારા ધાક ધમકી આપી અને ત્યાં તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Share This Article