અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમીએ કેર વર્તાવવાનું જારી રાખ્યું છે. આકાશમાંથી વરસતી લૂ અને ચામડી દઝાડતા પવનને પગલે રાજ્યના ૧૦ શહેરમાં પારો ૪૩ ડિગ્રીને પાર થયો છે.
૪૪.૮ ડિગ્રી સાથે અમદાવાદ માટે રવિવાર વર્તમાન સિઝનનો ‘હોટેસ્ટ’ દિવસ બની રહ્યો હતો જ્યારે ૪૬.૫ ડિગ્રી સાથે મોડાસા સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. બીજી તરફ ડીસા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ઈડર, હિંમતનગર, કંડલા એરપોર્ટમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર થયો હતો.
અમદાવાદમાં રવિવારે સવારથી જ ગરમીએ રૌદ્ર રૂપ દર્શાવવાનું શરૂ કરી દીધું હતું. બપોર સુધીમાં તો આકાશમાંથી અગનગોળા જ વરસતા હોય તેમ મહેસૂસ થવા લાગ્યું હતું. દિવસ દરમિયાન તાપની અસર એટલી તિવ્ર હતી કે મોડી સાંજે પણ ગરમ પવન દઝાડી રહ્યો હતો. અમદાવાદ માટે રવિવાર વર્તમાન સિઝનનો સૌથી ગરમ દિવસ બની રહ્યો હતો.
વર્તમાન સિઝનમાં અગાઉ ૧૭ મેના ૪૪.૩ અને ૨૩ મેના ૪૪.૬ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનને પગલે ગરમીમાં વધારો નોંધાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ગુજરાતના કેટલાક હિસ્સામાં આગામી બે દિવસ ગરમીનો પારો ૪૧ થી ૪૫ ડિગ્રી વચ્ચે રહેશે. આગામી બે દિવસ માટે હીટવેવની સ્થિતિ રહેશે. ‘