અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાંથી રખડતાં કૂતરાંને પકડી તેમનું ખસીકરણ તેમજ રસીકરણ કરીને મૂળ જગ્યાએ મૂકવાની કામગીરી ઘણા વર્ષોથી ચાલે છે, પરંતુ તેનું જાઇએ એવું અસરકારક અમલીકરણ કે પરિણામ દેખાતા નથી. જેને લઇ અમ્યુકો તંત્રની આ કામગીરી હંમેશાં વિવાદાસ્પદ અને અનેક સવાલોના ઘેરામાં આવીને ઉભી છે.
રખડતા કૂતરાના કારણે શહેરની પરિસ્થિતિ જોઇએ તો, શહેરમાં રખડતાં કૂતરાંના ત્રાસથી બાળકો અને મહિલાઓ ભયભીત અને ફફડી રહ્યા છે તો બીજીબાજુ, રખડતાં કૂતરાંની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા આઠ વર્ષમાં રખડતા કૂતરાઓએ ૩.૦૯લાખથી વધુ નાગરિકોને કરડી ખાધા છે, જેમાં મહિલા, બાળકોનો પણ સમાવેશ થાય છે, જેમાં રખડતાં કૂતરાં કરડવાના બનાવોના કારણે તંત્ર દ્વારા લોકોને રસી આપવા પાછળ રૂ. ૨.૩૭ કરોડથી વધુ ખર્ચાઇ ચૂક્યા છે.
એનિમલ હેલ્થ ફાઉન્ડેશનને ગ્યાસપુર સેન્ટર ખાતે રખડતાં કૂતરાંનાં ખસીકરણ-રસીકરણ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવ્યું છે. આ સંસ્થાને ચાંદખેડા, સાબરમતી, નવા વાડજ, જૂના વાડજ અને નારણપુરા એમ પાંચ વોર્ડની જવાબદારી સોંપાઇ છે. અન્ય સંસ્થા પીપલ ફોર એનિમલને ગોમતીપુર સેન્ટર અપાયું છે. પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનનો હવાલો આ સંસ્થાને અપાયો છે, જ્યારે બહેરામપુરા સેન્ટરમાં એનિમલ રાઇટ ફંડ નામની સંસ્થાને દક્ષિણ ઝોન, મધ્ય ઝોન તથા પશ્ચિમ ઝોનના સ્ટેડિયમ, આંબાવાડી, નવરંગપુરા, પાલડી અને વાસણા એમ પાંચ વોર્ડમાંથી રખડતાં કૂતરાં પકડીને તેનું ખસીકરણ-રસીકરણ કરવાની કામગીરી સોંપાઇ છે, જોકે આ ત્રણેય સંસ્થાઓની કામગીરીને લગતો એક અથવા બીજા પ્રકારનો વિવાદ સર્જાય છે, આ વિવાદો વચ્ચે શહેરમાં કૂતરાંઓની સંખ્યા બેફામ બની છે. છેલ્લાં આઠ વર્ષમાં ૩,૦૯,૫૯૬ લોકોને રખડતાં કૂતરાંએ કરડી ખાધા છે.
બીજી તરફ મ્યુનિ. તિજોરીમાંથી આવા લોકોને હડકવા વિરોધી રસી આપવા પાછળ લાખો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે. આ માટે ક્યાંક ને ક્યાંક ખસીકરણ-રસીકરણની કામગીરી પાછળનો ભ્રષ્ટાચાર જવાબદાર હોવાનો આક્ષેપ મ્યુનિસિપલ કોંગ્રેસના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખે કર્યો છે. વીએસ હોસ્પિટલમાં વર્ષ ૨૦૧૦થી વર્ષ ૨૦૧૭ સુધીમાં કુલ ૬૬,૯૦૫ લોકોને રખડતાં કૂતરાંએ બચકું ભરતાં રસી અપાઇ છે. આમ, શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ અને અમ્યુકો તંત્રના ખસીકરણના પ્રોગ્રામને લઇ ફરી એકવાર અનેક સવાલો ઉઠી રહ્યા છે.