અમદાવાદમાં રથયાત્રાના માર્ગ દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં ભગવાન જગન્નાથના દર્શન કરવા ઉભેલા ભાવિકો પર કાટમાળ પડ્યો હતો. આ ઘટનામાં ૩ બાળક સહિત ૮ ભાવિકને ઈજા પહોંચી હતી. પોલીસે તમામ ઈજાગ્રસ્તને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતાં. રથયાત્રા ચાલી રહી હતી તે દરમિયાન ટ્રકમાંથી લોકો પ્રસાદ આસપાસના લોકોમાં નાખી રહ્યા હતા.
જોકે, તેમને પણ પ્રસાદ આપવામાં આવ્યો હતો અને પ્રસાદ લેવા લોકો નીચે વળતા બાલ્કની તૂટી પડી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. ડીસીપી ઝોન-૪ કાનન દેસાઈએ જણાવ્યું કે, ‘કડિયાનાકા પાસે એક જૂનું મકાન હતું. જે મકાન પર મકાનના માલિક પોતે અન્ય ત્રણ લોકો સાથે રથયાત્રાનાં દર્શન માટે ઊભા હતા. તે સમયે તે અચાનક સ્લેબ સાથે નીચે પડ્યા હતા અને તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. કુલ ૮ જેટલા માણસોને ઈજા થઈ છે. તમામને નાની-મોટી ઈજા થઈ છે અને કોઈ જાનહાનિ થઈ નથી. ઈજાગ્રસ્તને તુરંત જ સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે અને તેઓની સારાવાર શરૂ થઈ ગઈ છે.