અમદાવાદ શહેરમાં બનતા વાહન અકસ્માતોના બનાવોમાં રોન્ગસાઈડ વાહન ચલાવવાને કારણે ગંભીર અકસ્માત થાય છે. તથા કેટલાક અકસ્માત થયા બાદ એચએસઆરપી નંબર પ્લેટ ના હોવાથી અકસ્માત કરનારની ભાળ મળતી નથી અને ગુનો અનડીટેકટ રહે છે. જેથી હવે એક અઠવાડિયા સુધી પોલીસે રોંગ સાઈડ વાહન ચલાવનાર તથા એચએસઆરપી નંબર પ્લેટ વિનાના વાહનો ચાલકો કેસ કરીને દંડ વસૂલવાનું શરૂ કર્યું છે.આ ડ્રાઈવ દરમિયાન પહેલા જ દિવસે રોંગ સાઈડમાં વાહન હંકારનારા ૮૯ લોકો પાસેથી પોલીસે ૧.૪૬ લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. એચએસઆરપી નંબર પ્લેટ વિના ફરતા વાહનો પાસેથી રૂ.૧૦૦૦, રોંગ સાઈડમાં ચલાવનાર પાસેથી રુ.૧૫૦૦, કાર ચાલક પાસેથી રુ.૩૦૦૦ તેમજ ટ્રક-બસ જેવાં મોટા વાહનો પાસેથી રૂ.૫૦૦૦ દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે.
શહેરમાં રોંગ સાઈડમાં વાહન હંકારનારા મોટાભાગે આનંદનગર, સેટેલાઈટ, પાલડી, એસ.જી હાઈવેના અમુક વિસ્તારમાં, સિંધુ ભવન રોડ પર દંડવામાં આવ્યાં છે. જ્યારે એચએસઆરપી નંબર પ્લેટ વિનાના વાહનોની વાત કરીએ તો સેટેલાઈટ, વેજલપુર, આનંદનગર વિસ્તારમાંથી પોલીસે ૫૯૫ લોકો સામે દંડનીય કાર્યવાહી કરીને ૨.૨૩ લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. શહેરમાં બનતા ગંભીર અકસ્માત અને અકસ્માતમાં થતા મૃત્યુમાં મોટા ભાગના બનાવોમાં બેમાંથી એક વાહનચાલક રોંગ સાઈડમાં આવ્યો હોવાથી અકસ્માત થયો હોવાનું પૂરવાર થયું હતું.મોટા ભાગની ઘટનાઓમાં કસૂરવાર વાહન ચાલકે એચએસઆરપી નંબર પ્લેટ લગાવી નહીં હોવાથી તેનો રોકોર્ડ પણ પોલીસ કે આરટીઓ પાસે હોતો નથી. જેના કારણે અકસ્માત કરનારા વાહન ચાલકો બિન્દાસ ફરી રહ્યા છે.
અકસ્માતો ઘટાડવા માટે તેમજ એચએસઆરપી વગર ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ૫ જૂનથી ૧૧ જૂન સુધી ખાસ ડ્રાઈવ યોજી છે. દરેક પોલીસ સ્ટેશને કરેલી ડ્રાઈવની કામગીરી રોજ રાતે ઉપરી અધિકારીઓને મોકલી આપવા ટ્રાફિક પોલીસને આદેશ કરવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિકના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ઉપરી અધિકારીઓ ૧૦૦ કરતાં પણ વધારે પોઈન્ટ પર તહેનાત કરાશે.