અમદાવાદના વટવા બીબી તળાવ પાસેની મોઈન પાર્ક સોસાયટીમાં રહેતા સલીમખાન સુબેખાન ૪ વર્ષથી એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. સલીમખાન સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓ અને ક્રેનના માણસો સાથે પ્રહલાદનગર વિસ્તારમાં રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ રીતે પાર્ક કરેલા વાહન ટો કરવા નીકળ્યા હતા. વાહનો ટો કરીને તેમણે પ્રહલાદનગર ગાર્ડન ખાતેના ટોઈંગ સ્ટેશનમાં મૂક્યા હતા અને ત્યાંથી બીજા વાહન ટો કરવા ક્રેન લઈને નીકળ્યા હતા. જ્યારે ટોઈંગ સ્ટેશન ખાતે વાહનોની સારસંભાળ રાખવા માટે હોમગાર્ડના જવાન જયેશભાઈ બાબુભાઈ પટણી બેઠા હતા.
દરમિયાનમાં એક વાહનના માલિક તેમજ અન્ય ૧૦ જેટલા માણસો ત્યાં આવ્યા હતા અને જયેશભાઈ સાથે ઝઘડો કરીને મારા મારી કરી હતી, જેથી આ અંગે જયેશભાઈએ સલીમખાનને ફોન કરીને જાણ કરી હતી, જેથી તેઓ ક્રેન લઈને સ્ટાફ સાથે પાછા ટોઈંગ સ્ટેશને આવ્યા હતા, ત્યારે વાહન છોડાવવા આવેલા માણસોએ સલીમખાનના ડ્રેસનો કોલર પકડીને મારા મારી શરૂ કરી હતી. જેથી ટ્રાફિક બ્રિગેડના જવાન સૂરજ નાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસની ગાડી તુરંત જ ઘટના સ્થલે દોડી આવી હતી. આ સમયે પોલીસે સ્થળ પરથી અમથાભાઈ ભગવાનભાઈ રબારી (૫૦), પીયૂષભાઈ અમથાભાઈ રબારી (૨૨), બાબુભાઈ ભગવાનભાઈ રબારી (૪૫), નીતિનભાઈ બળદેવભાઈ રબારી અને અજયભાઈ તેજાભાઈ દેસાઈને ઝડપી લેવામાં આવ્યા હતા.
સ્ટાફે આ તમામ લોકોને પકડીને આનંદનગર પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. આ અંગે એએસઆઈ સલીમખાન સુબેખાને પાંચેય વિરુધ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની ધરપકડ કરી અને અન્ય લોકોની તપાસ શરૂ કરી છે.પ્રહલાદનગર ગાર્ડન ખાતેના ટોઈંગ સ્ટેશનમાંથી વાહન છોડાવવા આવેલા માલિક અને તેની સાથેના ૧૦ જેટલા માણસોએ હોમગાર્ડના જવાન સાથે મારા મારી કરીને ટ્રાફિક પોલીસનો કોલર પકડી લીધો હતો. જો કે આ ઘટનાના પગલે ક્રેનનો સ્ટાફ તેમજ અન્ય ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દોડી આવતા હુમલાખોર પૈકી ૫ જણાંને ઝડપી લીધા હતા.