આમિર-કિઆરાની એડમાં કન્યાના બદલે વરની વિદાયથી થયો વિવાદ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા બાદ જાહેરખબર પણ વિવાદમાં સપડાઈ છે. બેંક માટેની એક જાહેરખબરમાં આમિર ખાન અને કિઆરાએ પરંપરાઓ બદલવાની વાત કરી છે. આ જાહેરખબરમાં કન્યાના બદલે વરની વિદાય બતાવવામાં આવી છે અને સદીઓ જૂની પરંપરાને શા માટે ન બદલવી જોઈએ તેવો સવાલ પણ પૂછવામાં આવ્યો છે. આમિર-કિઆરાએ હિન્દુ રિવાજો અને ધાર્મિક લાગણીનું અપમાન કર્યું હોવાના આક્ષેપ સાથે નેટિઝન્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સભ્યો પણ મેદાનમાં આવી રહ્યા છે.  એક ફાઈનાન્સ બેંક માટેની જાહેરખબરમાં આમિર-કિઆરાને નવદંપતિ તરીકે રજૂ કરાયા છે, તેમની કારને શણગારવામાં આવેલી છે. તેઓ કારમાં વાત કરી રહ્યા છે કે, મેરેજ બાદ વિદાય પ્રસંગે કોઈ રડ્યું ન હતું. બાદમાં ખુલાસો થાય છે કે, આ મેરેજમાં કન્યાના બદલે વરની વિદાય થઈ હતી. કન્યાના પિતા બીમાર રહેતા હોવાથી વરરાજા ઘરજમાઈ તરીકે રહેવા આવ્યા છે અને તેમની વિદાય થઈ છે. ઘરમાં પહેલો પગ વરરાજા મૂકે છે અને બાદમાં કન્યા આવે છે. આમિર ખાન બેંકમાં પહોંચીને સવાલ પૂછે છે કે, સદીઓથી ચાલી આવતી પરંપરા શા માટે જળવાવી જોઈએ? અને તેથી જ અમે બેંકિંગ પરંપરા પર સવાલ કરી રહ્યા છીએ. જેથી તમને બેસ્ટ સર્વિસ મળે.  ધ કાશ્મીર ફાઈલ્સના મેકર વિવેક અગ્નિહોત્રીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું હતું કે, બેંકોએ ક્યારથી સામાજિક બદલાવ અને ધાર્મિક પરંપરામાં પરિવર્તનની જવાબદારી લીધી છે? ભ્રષ્ટ બેંકિંગ સીસ્ટમમાં ફેરફાર લાવીને તેમણે એક્ટિવિઝમ બતાવવું જોઈએ. હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાની મજાક ઊડાવવા બદલ નેટિઝન્સે પણ આક્રોશ ઠાલવ્યો હતો. વિવેક અગ્નિહોત્રીએ પોતાનો વિરોધ નોંધાવતા વધુમાં કહ્યું હતું કે, આવો બકવાસ કરે છે અને પછી કહે છે કે, હિન્દુઓ ટ્રોલ કરે છે. કેટલાકે તો બેંકનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી દેવાની અને તેના બોયકોટની માગણી પણ કરી હતી.

Share This Article