ઇસ્લામાબાદ : ભારતીય લશ્કરી સ્થળોને ટાર્ગેટ બનાવવામાં નિષ્ફળતા હાથ લાગ્યા બાદ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ભારત સાથે શાંતિ મંત્રણા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પાકિસ્તાને ફરી એકવાર શાંતિનું નાટક કર્યું હતું. સરહદ ઉપર વધી રહેલી તંગદિલી વચ્ચે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે, યુદ્ધ શરૂ થાય છે તો તે તેમના અને વડાપ્રધાન મોદીના કન્ટ્રોલમાં રહેશે નહીં. શાંતિની વાત કરતા ઇમરાને કહ્યું હતું કે, આતંકવાદને લઇને કોઇ વાતચીત કરવાની ઇચ્છા છે તો અમે આના ઉપર પણ વાતચીત માટે તૈયાર છીએ. હાલના સમયે સમજદારીનો પરિચય આપવાની જરૂર છે.
ઇમરાને કહ્યું હતું કે, દુનિયાના ઇતિહાસમાં તમામ લડાઈને લઇને ખોટા અંદાજ મુકવામાં આવ્યા છે જે લોકો દ્વારા પણ લડાઈ છેડવામાં આવી હતી તે લોકોને આ અંગેની ખબર ન હતી કે, લડાઈ ક્યાં જઇને ખતમ થશે જેથી તેઓ ભારતને કહેવા માંગે છે કે, તે હથિયારો તેમની પાસે છે તેવા જ હથિયારો પાકિસ્તાન પાસે છે જેથી જા તંગદિલી વધશે તો ખતરનાક પરિણામ આવશે. દુનિયાભરમાં આતંકવાદના જનક તરીકે ગણાતા પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું હતું કે, આતંકવાદીઓ દ્વારા તેમની જમીનનો ઉપયોગ કરવામાં આવે તેમ અમે ઇચ્છતા નથી. અમે વાતચીત કરવા માટે તૈયાર હતા.
ગઇકાલે સવારે ભારત તરફથી કાર્યવાહી કરવામાં આવી ત્યારબાદ તેઓએ પોતાના આર્મી વડાઓ સાથે વાતચીત કરી હતી. અમે તરત જવાબ આપ્યા નથી. કારણ કે, કેટલું નુકસાન થયું છે તે અંગે માહિતી મેળવી લેવા ઇચ્છુક હતા. આજે અમે એક્શનમાં છીએ. અમારી યોજના હતી કે, કોઇપણ નુકસાન કરવામાં ન આવે. ઇમરાને કહ્યું હતું કે, ભારતના બે યુદ્ધ વિમાનો પાકિસ્તાનની કાર્યવાહીમાં તોડી પાડવામાં આવ્યા છે. પાયલોટો અમારી સાથે છે. આજે સવારે ભારતીય એરફોર્સે પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ કર્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલયના કહેવા મુજબ પાયલોટ તેમના કબજામાં હોવાની વાત પાકિસ્તાને કરી છે.