ઈસ્લામાબાદઃ ઈમરાનખાન પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ૧૪મી ઓગસ્ટ પહેલા શપથ લે તેવી શક્યતા દેખાઈ રહી છે. ૧૪મી ઓગસ્ટે પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવનાર છે. ઈમરાનની પાર્ટી દ્વારા જાહેરાત કરાઈ છે કે નવી સરકારની રચના કરવા અપક્ષો અને નાના પક્ષો સાથે વાતચીત શરૂ થઈ ચુકી છે. ૨૫મી જુલાઈના દિવસે ચુંટણી બાદ નેશનલ એસેમ્બલીમાં ઈમરાનની પાર્ટી સૌથી મોટી પાર્ટી બની છે, પરંતુ બહુમતીથી ૧૨ સીટો ઓછી રહી ગઈ છે. તેને ૧૧૫ સીટો મળી છે. પીએમએલ-એનને ૬૪ અને પીપીપીને ૪૩ સીટો મળી છે.
સૂત્રોના કહેવા મુજબ બહુમતીના આંકડાથી આ પાર્ટી પણ ૨૨ સીટ પાછળ રહી ગઈ છે. આવી સ્થિતિમાં પાર્ટીને આગામી દિવસોમાં સરકાર બનાવવા માટે નાની પાર્ટીઓના સમર્થનની જરૂર પડશે. જેથી ઈમરાનના નેતૃત્વમાં પાકિસ્તાનમાં નવી સરકાર પણ કોઈ સ્થિર સરકાર રહેવાની પાકી ગેરન્ટી મળી રહી નથી. નવાઝ શરીફની પીએમએલ-એમ અને આશિફ ઝરદારીની પીપીપી દ્વારા પાકિસ્તાનની ચૂંટણીમાં પોતાની હારને સ્વીકારી લેવામાં આવી છે. ઈમરાનની પાર્ટીને પણ બહુમતીના આંકડા સુધી પહોંચવા માટે નાના પક્ષોને મહત્વ આપવું પડશે. જેલમાં રહેલા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગને ૬૨ સીટો અને પૂર્વ પ્રમુખ આશિફઅલી ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને ૪૩ સીટો મળી છે.
આ બંને પાર્ટીઓ દ્વારા ચૂંટણીમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ થયો છે. જો કે, તેમના આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા છે. ઘણા બધા બુદ્ધિજીવી લોકોનું કહેવું છે કે ઈમરાનખાનની કસોટી હવે થનાર છે. પાકિસ્તાનમાં અપક્ષોની સીટ ૧૨ રહી છે. આવી સ્થિતિમાં આ અપક્ષોના મત ખૂબ મહત્વપૂર્ણ રહેશે. ૩૪૨ સભ્યોની નેશનલ એસેમ્બલીમાં પીટીઆઈનું સંખ્યાબળ હાલમાં ૧૧૫ રહેલું છે.