ગુજરાત વિધાનસભામાં ચારેબાજુ કેસરીયો છવાઇ ગયો છે આમ છતાં પણ એક સમયે ભાજપનો ગઢ ગણાતી જમાલપુર ખાડિયા બેઠક પર ભાજપનો હારનો સામનો કરવો પડયો છે. અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાની જીત થઇ છે. તેમની સામે ભાજપના ઉમેદવાર ભુષણ ભટ્ટ મેદાને હતા.
નોંધનીય છે કે, આ બેઠક પર ૧,૨૬,૯૧૦ વોટ પડ્યા હતા. ટકાવારી પ્રમાણે આ બેઠક પર ૫૮.૨૪ ટકા મતદાન થયું હતું. જમાલપુર બેઠક પર કુલ ૨,૧૭,૯૨૩ મતદારો છે. જેમાં ૧,૧૦,૩૭૭ પુરુષ મતદારો અને ૧,૦૭,૫૪૩ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
બીજી બાજુ, ગત ૨૦૧૭ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી. ૨૦૧૭માં આ બેઠક પર ૬૫.૩૧% ટકા મતદાન થયું હતું. જ્યારે ૨૯,૩૩૯ મતોથી કોંગ્રેસની જીત થઇ હતી. વર્ષ ૨૦૧૨માં પણ આ બેઠક પર ભાજપનો કબ્જો રહ્યો હતો. ૨૦૧૨માં આ બેઠક પર ૬૮.૧૯% ટકા મતદાન થયું હતું અને ૬,૩૩૧ મતોની લીડથી ભાજપે જીત હાંસલ કરી હતી. જમાલપુર ખાડિયાની બેઠક પરથી પરાજય હાંસલ કર્યા બાદ ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટે જણાવ્યું હતું કે મતદારોના ચુકાદાને માથે ચઢાવી રહ્યો છે જયારે ખેડાવાલાએ પોતાની જીત બાદ જણાવ્યું હતું કે મને મત આપનાર તમામ મતદારોનો હું આભાર માનુ છું અને કોઇ પણ જાતિવાદથી પર રહી સમગ્ર વિસ્તારના વિકાસનો કાર્યોને આગળ વધારીશ