પાકિસ્તાનમાં પેટ્રોલ, ડીઝલમાં તોતિંગ ભાવ વધારો થતાં
પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાતોરાત ૩૦ રૂપિયાનો વધારો કરાયો છે. પૂર્વ પીએમ ઈમરાન ખાને ટ્વીટ કરીને આ વધારાને વખોડ્યો અને કહ્યું કે આ અસંવેદનશીલ સરકારે પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટી દ્વારા રશિયા સાથે જે ૩૦ ટકા સસ્તા તેલની ડીલ કરી હતી તેને આગળ વધારી નહીં.
એટલું જ નહીં આ મુદ્દે ભારતના વખાણ કરતા કહ્યું કે અમેરિકાનો વ્યૂહાત્મક ભાગીદાર એવું ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને ઈંધણના ભાવમાં ૨૫ રૂપિયા (પાકિસ્તાની રૂપિયો) પ્રતિ લીટર ઘટાડો કરવામાં સફળ રહ્યું. હાલ પેટ્રોલનો ભાવ ૧૭૯.૮૬ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૧૭૪.૧૫ રૂપિયા પ્રતિ લીટર જ્યારે કેરોસિનનો ભાવ ૧૫૫.૫૬ રૂપિયા પ્રતિ લીટર છે. લાઈટ ડીઝલના ભાવ પ્રતિ લીટર ૧૪૮.૩૧ રૂપિયા હશે.
પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તા ઈસ્માઈલે ઈસ્લામાબાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ જાહેરાત કરી. તેમણે એમ પણ કહ્યું કે સરકાર પાસે ભાવ વધારા સિવાય કોઈ વિકલ્પ નથી. આર્થિક સંકટને પહોંચી વળવા માટે આ ર્નિણય લેવો મજબૂરી હતી. પાકિસ્તાન અત્યારે ભયંકર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. પાકિસ્તાન સરકારના કહેવા મુજબ સરકાર હજુ પણ ડીઝલ પર ૫૬ રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન વેઠે છે.
એકબાજુ જ્યાં ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ છે ત્યાં ત્યાંના નાગરિકો મોંઘવારીનો માર પણ ઝેલી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અચાનક તોતિંગ વધારો કરી દેવાતા નાગરિકો હેરાન પરેશાન થયા છે. પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને આ મુદ્દે ભારતના વખાણ કરી પાક સરકાર પર નિશાન સાધ્યું છે.