તોશાખાના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને દોષિત ઠેરવ્યા બાદ પાકિસ્તાનનું ચૂંટણી પંચ હવે એક્શન મોડમાં આવી ગયું છે. પંચે ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. તમને જણાવી દઈએ કે ઈસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે ગયા અઠવાડિયે જ ઈમરાન ખાનને તોશાખાના કેસમાં દોષી ઠેરવ્યો હતો અને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. કોર્ટમાંથી સજા મળતાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને પંજાબની એટોક જેલમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. ખાન એટોક જેલમાં બંધ એવા પહેલા વડાપ્રધાન બન્યા છે.
પાકિસ્તાનમાં જે રીતે આર્થિક સંકટની સ્થિતિ પ્રવર્તી રહી છે તે જોતા આ વર્ષના અંતમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની નિશ્ચિત છે. આવી સ્થિતિમાં જે રીતે ઈમરાન ખાનની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યો છે અને તેના પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેને પાકિસ્તાનની રાજનીતિમાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનમાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ ૧૨ ઓગસ્ટે પૂર્ણ થશે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થોડા દિવસોમાં થઈ શકે છે. તોશાખાના એ પાકિસ્તાનના કેબિનેટ વિભાગનો એક વિભાગ છે. આ વિભાગ સરકારી અધિકારીઓ, નેતાઓ અને મહાનુભાવોને મળેલી વિદેશી ભેટોનો સંગ્રહ કરે છે.
કાયદા અનુસાર, વડાપ્રધાન અને રાજ્યના વડા તેમની સાથે ૩૦,૦૦૦ રૂપિયાથી ઓછી કિંમતની ભેટ જ રાખી શકે છે. આવી સ્થિતિમાં ૩૦ હજારથી વધુ કિંમતની તમામ ભેટ તોશાખાનામાં રાખવી ફરજિયાત છે. જો કે ઈમરાને તેમાં પણ ચોરી કરી હોવાની વાત હતી. પાકિસ્તાનના ચૂંટણી પંચે ઈમરાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ઈમરાન ખાને વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં વિદેશમાંથી મળેલી ભેટ છુપાવી હતી. ધ ડોનના અહેવાલ મુજબ, સત્તામાં આવ્યા પછી, ભૂતપૂર્વ વડા પ્રધાને સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી ૧૦૦ મિલિયન પાકિસ્તાની રૂપિયાથી વધુની ભેટ છુપાવી હતી અને આ માટે તેમણે ૨૦.૧ મિલિયન ચૂકવ્યા હતા.