કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાલમાં એક રેલીને સંબોધિત કરતા લોટની કિંમત પ્રતિ કિલોની જગ્યાએ પ્રતિ લીટરમાં જણાવી હતી, ત્યારબાદ ભાજપે તેમના પર નિશાન સાધ્યું હતું. તેના જવાબમાં કોંગ્રેસ નેતાઓએ ભાજપના નેતાઓના ઘણા આવા નિવેદનોનો વીડિયો ટ્વીટ કર્યો, જેમાં ભાજપના નેતાઓ ભાષણ આપતા સમયે કોઈ ભૂલ કરે છે. હવે આવું પાકિસ્તાનમાં જોવા મળ્યું છે. અહીં કોઈ અન્ય નહીં પરંતુ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન લોટની લીટરમાં ગણતરી કરે છે અને હવે તેમના ભાષણની ક્લિપ વાયરલ થઈ રહી છે.
વાયરલ ક્લીપમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇમરાન ખાને લોટ માટે લીટરનો પ્રયોગ કર્યો છે. આ કથિત ક્લિપમાં ઇમરાન ખાનને કહેતા સાંભળી શકાય છે, ‘લોટ ડબલ થઈ ગયો છે. ૫૦ રૂપિયા અમારા સમયમાં એક કિલો લોટ હતો આજે કે કરાચીની અંદર ૧૦૦ રૂપિયા લીટર ઉપર ચાલ્યો ગયો છે.’ સોશિયલ મીડિયા પર હવે તેને લઈને મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે. લોકો તેમના નિવેદનની સાથે રાહુલ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરી કટાક્ષ કરી રહ્યાં છે. આમ તો રાહુલ ગાંધીની જેમ ઇમરાન ખાનની પણ કેટલીક સેકેન્ડ્સની વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. તેનાથી તે ખ્યાલ આવતો નથી કે તેમણે ભૂલ બાદ તેમાં સુધારો કરી લીધો કે નહીં.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ પોતાની ભૂલ બાદ તેમાં સુધાર કરી લીધો હતો. રામલીલા મેદાનમાં ચાર સપ્ટેમ્બરે કોંગ્રેસ પાર્ટીની મોંઘવારી વિરુદ્ધ હલ્લાબોલ રેલી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા વર્ષ ૨૦૧૪ અને ૨૦૨૨ વચ્ચે જરૂરી વસ્તુના ભાવમાં વધારા વિશે જણાવ્યું હતું. યુપીએ સરકારના સમય સાથે કિંમતોની તુલના કરતા તે કહે છે, ‘સરસવનું તેલ ૯૦ રૂપિયા લીટર, આજે ૨૦૦ રૂપિયા લીટર, દૂધ ૩૩ રૂપિયા લીટર, આજે ૬૦ રૂપિયા લીટર, લોટ ૨૨ રૂપિયા લીટર, આજે ૪૦ રૂપિયા લીટર. પરંતુ ત્યારબાદ તે પોતાની ભૂલમાં સુધારો કરે છે. પરંતુ તેમની જે વાયરલ ક્લિપ થઈ તેમાં માત્ર આ ભૂલ દેખાડવામાં આવી રહી હતી.’