આઠ ઇન્ડિકેટર્સ મુજબ શિક્ષણ સુધારણા માટે શિક્ષણ વિભાગનો સંકલ્પ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

 ભારત સરકારે વર્ષ ૨૦૧૭માં શિક્ષણ ક્ષેત્રે કરેલા નેશનલ એચિવમેન્ટ સરવેમાં ગુજરાતમાં ધો.૩, પ અને ૮ના ભાષા, ગણિત અને વિજ્ઞાનમાં ૯ ટકાનો સુધારો નોંધાયો છે, ત્યારે વર્ષ ૨૦૧૯માં આ સુધારાની ટકાવારીમાં હજીપણ નોંધપાત્ર વૃદ્ધિ થાય તેવો સંકલ્પ શિક્ષણ વિભાગે કર્યો છે.

રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓની ગાંધીનગર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણમાં હજુ પણ વધુ ગુણાત્મક શિક્ષણ માટે સંકલ્પબદ્ધ થવા અધિકારીઓને આહવાન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯માં જ્યારે આવા સરવે થાય ત્યારે તેમાં હજી પણ વધુ સુધારો થાય તે માટે તમામ ડી.પી.ઓ, ડી.ઇ.ઓ અને સી.આર.સી., બી.આર.સી.નું ઇન્વોલમેન્ટ અને કમિટમેન્ટ ખૂબ જરૂરી છે. આજે યોજાયેલી બેઠકમાં શિક્ષણમંત્રીએ સંબંધિત અધિકારીઓ સાથે સળંગ આખો દિવસ બેસીને ચિંતન દ્વારા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

એચિવમેન્ટ સરવેમાં આથી પણ વધુ ગુણાત્મક સુધાર લાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશનાં ૧૧૫ જિલ્લાઓને પસંદ કરી શિક્ષણમાં કયાં સુધારાને અવકાશ છે તેનો નિર્દેશ કરતા ૮ ઇન્ડીકેટર્સ નક્કી કર્યા છે, તેમાં ગુજરાતના ૨ જિલ્લાઓ નર્મદા અને દાહોદનો પણ સમાવેશ થાય છે. તેનો ઉલ્લેખ કરી ચુડાસમાએ જણાવ્યું હતું કે આ બંને જિલ્લાઓમાં આ આઠ ઇન્ડિકેટર મુજબ શિક્ષણ સુધારણાની પ્રક્રિયા શિક્ષણ વિભાગે શરૂ કરી દીધી છે.

આ આઠ ઇન્ડિકેટર્સમાં (૧) પ્રાથમિકથી ઉચ્ચ પ્રાથમિકમાં અને (ર) ઉચ્ચ પ્રાથમિકથી માધ્યમિક શિક્ષણમાં ટ્રાન્ઝિશન રેટ વધારવો (૩) ધો.૩, પ અને ધો.૮ અને ગણિતમાં વિષયમાં લર્નિંગ આઉટકમમાં સુધારો કરવો (૪) ૧૫ વર્ષ કરતાં વધુ વયની દિકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ વધારવું (૫) તમામ શાળાઓમાં કન્યા શૌચાલયની વ્યવસ્થા અને ઉપયોગીતા સુનિશ્ચિત કરવી (૬) તમામ શાળાઓમાં વીજળીની વ્યવસ્થા અને ઉપયોગીતા નિશ્ચિત કરવી (૭) તમામ શાળાઓમાં આર.ટી.ઇ.ના ધારાધોરણ મુજબ શિક્ષક વિદ્યાર્થી રેશિઓ નિયત કરવો અને (૮) શાળા શરૂ થવાના એક માસમાં પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવી વ્યવસ્થાનો સમાવેશ થાય છે.

આ બેઠકમાં આ તમામ ઇન્ડિકેટર્સનો ઉલ્લેખ કરી તે મુજબ શિક્ષણમાં હજી પણ વધુ ગુણાત્મક સુધાર માટે ઉપાયોની પણ વિસ્તૃત ચર્ચા કરાઇ  હતી. તેમાં વાચન, ગણન, લેખનમાં નબળા વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું, નબળા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવી, નિયમિત મોનિટરિંગની વ્યવસ્થા, સ્થાનિક ભાષા-બોલી સમજી શકે તેવા શિક્ષકોની સેવા લેવી, સ્થાનિક કક્ષાએ શિક્ષણ ઉપરાંત અન્ય વિભાગના નિવૃત્ત અધિકારીઓની સેવા લેવી, સી. આર.સી, બી.આર.સી, ડી.પી.ઇ. નિયમિત રીતે શાળાના આચાર્યના સંપર્કમાં રહે તેવી વ્યવસ્થા ગોઠવવી વગેરે ઉપાયો અજમાવવા શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું.

હવેના નેશનલ એચિવમેન્ટ સરવેમાં જે તે વિષયમાં આપણે ક્યાં હોવા જોઇએ, તેનો લક્ષ્યાંક નક્કી કરવા પર પણ  ચુડાસમાએ ખાસ ભાર મૂકી જણાવ્યું હતું કે, જ્યાં પણ ત્રુટિ જણાય તેમાં સુધારો કરવાનું આયોજન આપ સૌના ઇન્વોલમેન્ટ અને કમિટમેન્ટ દ્વારા સફળ થશે અને વર્ષ ૨૦૧૯ના સરવેમાં ગુજરાતનો શિક્ષણ ક્ષેત્રે દેખાવ હજી પણ વધુ સુધારી લક્ષ્યાંક પાર પાડી શકાશે. ચુડાસમાએ શિક્ષણમાં સુધારની તમામ જવાબદારી માત્ર સરકારની જ છે, એવી સમાજની સર્વસામાન્ય ધારણા દૂર કરવા આ પ્રક્રિયામાં સમાજ શ્રેષ્ઠીઓને પણ સહભાગી બનાવવા જણાવી દાહોદ અને નર્મદા જિલ્લામાં આ દિશામાં કરાયેલા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.

Share This Article