દેશમાં ખાદ્યતેલોમાં સસ્તી આયાતને ફરી વેગ મળવા લાગ્યો છે જેના કારણે સ્થાનિક બજારમાં ખાદ્યતેલોની કિંમતમાં ઘટાડો આવ્યો છે. દેશમાં પામતેલની આયાત લાંબાસમય બાદ ફરી ઝડપી વધી રહી છે. નવેમ્બર દરમિયાન દેશમાં પામતેલની આયાત બમણી (૧૧૧%)થી વધીને ૧૧.૪ લાખ ટન થઈ છે. ગયા વર્ષે નવેમ્બરમાં ૫,૩૯,૬૩૯ લાખ ટન પામતેલની આયાત કરવામાં આવી હતી. ભારત પામતેલનો સૌથી મોટો ખરીદદાર છે. અન્ય ખાદ્યતેલ કરતાં સસ્તું હોવાને કારણે તેની આયાત છેલ્લા મહિનામાં ઝડપથી વધારો જોવા મળ્યો છે. પામતેલની આયાત જે રીતે વધી રહી છે અને સ્થાનિકમાં તેલીબિયાં પાકોની સિઝન હોવાથી આગળ જતા કિંમતોમાં વધુ ઘટાડો થાય તેવા સંકેતો મળી રહ્યાં છે.
જીજીએન રિસર્ચના મેનેજિંગ પાર્ટનર રાજેશ પટેલના જણાવ્યા અનુસાર ખરીદદારોએ નવેમ્બર શિપમેન્ટ માટે મોટાભાગે ઓક્ટોબરમાં ઓર્ડર આપ્યા હતા જ્યારે હરીફ સોયાતેલ અને સનફ્લાવરતેલની સરખામણીમાં પામતેલ લગભગ $૫૦૦ (આશરે રૂ. ૪૧,૩૦૦) પ્રતિ ટન સસ્તું હતું. તે સમયે ઇન્ડોનેશિયા તેના સ્ટોકને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ગ્લોબલ ટ્રેડિંગ ફર્મના ડીલરે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં પણ પામતેલની આયાત લગભગ ૧૦ લાખ ટન થવાની ધારણા છે. પરંતુ પામતેલની સરખામણીમાં સોયા તેલ પરનું ડિસ્કાઉન્ટ થોડા અઠવાડિયાથી ઘટી રહ્યું છે. આ કારણે જાન્યુઆરીથી તેની આયાતમાં ઘટાડો થઈ શકે છે. જાન્યુઆરીમાં શિપમેન્ટ માટે ક્રૂડ પામતેલની કિંમત ઇં૧,૦૧૫ પ્રતિ ટન છે, જ્યારે ક્રૂડ સોયાતેલની કિંમત ઇં૧,૨૮૦ પ્રતિ ટન છે.