નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રના નવેસરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વના દેશોને કુલ સાત કરોડ શિક્ષકોની જરૂર છે. તાજેતરના રિપોર્ટમાં એવી બાબત ઉભરીને સપાટી પર આવી છે કે જા આગામી ૧૪ વર્ષમાં અમે મિલેનિયમ ડેવલપમેન્ટના ઉદ્ધેશ્ય સુધી પહોંચવા માંગીએ છીએ તો દુનિયાભરમાં કુલ છ કરોડ ૯૦ લાખ શિક્ષકોની જરૂરીયાત પૂર્ણ કરવી પડશે. આ આંકડો યુનેસ્કો દ્વારા જારી કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વિશ્વભરમાં જા સાત કરોડ શિક્ષકો રહેશે તો દુનિયાભરના એવા ૨૬ કરોડ ૩૦ લાખ બાળકો સુધી શિક્ષણની સુવિધા પહોંચી જશે જે બાળકોને પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણની સુવિધા મળી શકતી નથી.
આનાથી એ ફાયદો પણ થશે કે જે બાળકો શિક્ષકો મેળવી રહ્યા છે તેમના શિક્ષણના સ્તરમાં સુધારો થશે. સતત વધી રહેલા ક્લાસના કલાકોને પણ આના કારણે ઘટાડી શકાશે. આ રિપોર્ટ મુજબ યુએને ૨૦૩૦ સુધી આ લક્ષ્યાંક સુધી પહોંચી જવા માટેની યોજના બનાવી છે. વર્ષ ૨૦૩૦ માટે નક્કી કરવામાં આવેલા મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલમાં કુલ ૧૭ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે. જે વૈશ્વિક વિકાસ અને પ્રગતિના આધાર પર નક્કી કરવામાં આવ્યા છે. તે પારસ્પર એકબીજા સાથે સંબંધિત છે. પરંતુ શિક્ષણ તેમનામાં સૌથી ઉપર છે.
યુનેસ્કોના અધિકારી સિલવિયા મોનટોયા કહે છે કે કોઇ પણ શિક્ષણ વ્યવસ્થાની જડ તો શિક્ષક જ હોય છે. વૈશ્વિક પ્રગતિ પણ તેના પર આધારિત રહે છે. પુરતા પ્રમાણમાં શિક્ષકોની હાજરી આધુનિક સમયમાં જરૂરી બની ગઇ છે. શિક્ષકોની ટ્રેનિંગને પણ પ્રાથમિકતા આપવામાં આવે તે જરૂરી છે. આનાથી બાળકોને વધારે યોગ્ય શિક્ષણ આપી શકાય છે. શિક્ષકોને પુરતા પ્રમાણમાં શિક્ષણના સાધનો મળે તે પણ જરૂરી છે.