નવીદિલ્હીઃ સરકારે આયાત ડ્યુટીને બે ગણી કરવાનો નિર્ણય કરી દીધો છે. ટેક્સટાઇલને પ્રોત્સાહન આપવાના હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં આ વસ્તુઓના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે ૩૨૮ ટેક્સટાઇલ પ્રોડક્ટ ઉપર ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરવામાં આવી છે. એટલે કે ડ્યુટી બે ગણી કરી દેવામાં આવી છે.
પ્રોડ્ક્શનને વધારવાનો હેતુ આની પાછળ રહેલો છે. લોકસભામાં નાણારાજ્યમંત્રી રાધાકૃષ્ણન દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી અને કહ્યું હતું કે, જાહેરનામુ પણ રજૂ કરી દેવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, ટેક્સટાઇલ પ્રોડક્ટની ૩૨૮ ટેરિફ લાઈનો ઉપર કસ્ટમ ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરી દેવામાં આવી છે. કસ્ટમ એક્ટ ૧૯૬૨ની કલમ ૧૫૯ હેઠળ આ ડ્યુટી વધારવામાં આવી છે. ડ્યુટીમાં વધારો થતાં સ્થાનિક મેન્યુફેક્ચર્સને સીધો ફાયદો થશે. આયાત કરવામાં આવતી પ્રોડક્ટ હાલમાં પ્રમાણમાં સસ્તી હતી, પરંતુ હવે ડ્યુટી વધતા તે મોંઘી થશે.
મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિમાં વધારો થતાં આ સેક્ટરમાં રોજગારીની વધુ તકો સર્જાશે. ટેક્સટાઇલ સેક્ટરમાં હાલમાં ૧૦.૫ કરોડ લોકો રોજગારી કરી રહ્યા છે. સરકારે ગયા મહિનામાં ૫૦થી વધુ ટેક્સટાઇલ પ્રોડક્ટ ઉપર આયાત ડ્યુટીને વધારીને ૨૦ ટકા કરી હતી જેમાં જેકેટ્સ, કાર્પેટ, શુટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે અન્ય પગલા પણ લેવામાં આવ્યા હતા.
જાહેરનામા મારફતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે. ચોક્કસ વસ્તુઓ માટે ડ્યુટીમાં એડવેલોરમ રેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કારોબારી નિષ્ણાતોના કહેવા મુજબ ભારત ટેક્સટાઇલ સેક્ટરને સીધીરીતે કોઇપણ નિકાસ રાહત આપવાની સ્થિતિમાં નથી. કારણ કે, સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની તાકિદની જરૂરિયાત દેખાઈ રહી હતી. ટેક્સટાઇલ યાર્ન, ફેબ્રીક, મેઇડઅપ આર્ટીકલની આયાત ૮.૫૮ ટકા વધીને જૂન મહિનામાં ૧૬૮.૬૪ મિલિયન ડોલર સુધી પહોંચી હતી. કોટન યાર્ન, ફેબ્રીક, મેઇડઅપ, હેન્ડલુમ પ્રોડ્કટની નિકાસ ૨૪ ટકા વધીને ૯૮૬.૨ મિલિયન સુધી પહોંચી છે. મેનમેડ યાર્ન, ફેબ્રીક્સ, મેઇડઅપ એક્સપોર્ટમાં ૮.૪૫ ટકાનો વધારો થયો છે. જો કે, તમામ ટેક્સટાઇલ રેડિમેઇડ ગારમમેન્ટ નિકાસમાં ૧૨.૩ ટકાનો ઘટાડો થતાં આ આંકડો ૧૩.૫ અબજ ડોલર રહ્યો છે.