નાગરિક સુધારા કાનુનની સામે દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન જારી છે. આજે લેફ્ટ વિંગ અને કેટલાક મુસ્લિમ સંગઠનો દ્વારા આપવામાં આવેલા બંધના કારણે જનજીવન પર અસર થઇ હતી. બિહારના દરભંગામાં તેમજ પટણા ખાતે ટ્રેનો રોકવામાં આવી હતી. કેટલાક ભાગોમાં બંધની અસર દેખાઇ હતી. જ્યારે કેટલાક ભાગોમાં બંધની કોઇ અસર રહી ન હતી. કોઇ પણ સમસ્યાને ટાળવા માટે દિલ્હીમાં મથુરા રોડ-કાલિંદી કુંજ વચ્ચે રોડ નંબર ૧૩ એ પર ટ્રાફિક મુવમેન્ટને બંધ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત દિલ્હીના મેટ્રોના ૧૪ સ્ટેશનો પર એન્ટ્રી અને એકઝીટ ગેટને બંધ કરવાની ફરજ પડી હતી. દિલ્હી મેટ્રોના અનેક સ્થળોને બંધ કરવામાં આવ્યા છે. દિલ્હીના સીલમપુરમાં ૧૭મી ડિસેમ્બરના દિવસે થયેલી હિંસાના સંબંધમાં ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આની સાથે જ ઝડપાયેલા લોકોની સંખ્યા વધીને ૧૮ સુધી પહોંચી ગઇ છે. ગઇકાલે નાગરિક સુધારા કાનુનને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી જુદી જુદી ૫૯ અરજીઓ પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી હતી. સાથે સાથે કેન્દ્ર સરકારને જાન્યુઆરીના બીજા સપ્તાહ સુધી પોતાનો જવાબ રજૂ કરવા માટેનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે નવા કાનુન પર સ્ટે મુકવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. મામલાની આગામી સુનાવણી ૨૨મી જાન્યુઆરીના દિવસે કરવામાં આવનાર છે. અરજી કરનાર લોકો દ્વારા. નાગરિક સુધારા કાનુન પાસ કરવામાં આવ્યા બાદ ત્રણ પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહેલા લઘુમતિ શરણાર્થી લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવનાર છે. આ કાનુન હેઠળ ત્રણ દેશોના લઘુમતિ લોકો હિન્દુ, શિખ, ખ્રિસ્તી અને બૌદ્ધ સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવનાર છે.
જે લોકો આ સમુદાયના લોકો ૩૧મી ડિસેમ્બર ૨૦૧૪ પહેલા ભારત આવ્યા હતા તેમને ભારતની નાગરિકતા આપવામાં આવનાર છે. નાગરિક સુધારા બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે ગયા સપ્તાહમાં જ મંજુરી આપી હતી. બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. મઉમાં નાગરિક કાનૂનના વિરોધમાં હિંસક વિરોધ પ્રદર્શન પછી ૯૦ લોકોને ઓળખી કાઢીને ૬૦૦ વણઓળખાયેલા લોકો સામે ત્રણ એફઆઈઆર દાખલ કરી છે. સાથે સાથે ૩૧ લોકોની ધરપકડ કરી લીધી છે. ૧૯ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. ૧૨ની પુછપરછ કરવામાં આવી રહી છે. જાફરાબાદમાં થયેલી હિંસાની ઘટના પર દિલ્હી પોલીસે આઈપીસીની હિંસા ભડકાવવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના મામલામાં બે એફઆઈઆર દાખલ કરી છે. આ કેસમાં પાંચ લોકોને કસ્ટડીમાં લેવામાં આવી ચુક્યા છે. હવે છ લોકોની ધરપકડ થવાના અહેવાલ મળ્યા છે. સિલમપુરમાં હિંસાના મામલામાં પાંચ લોકોને કસ્ટડીમાં લઇને તપાસ ચાલી રહી છે. જ્યારે દિલ્હીમાં સિલમ વિસ્તારમાંથી થયેલી હિંસા મામલે બે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
મંગળવારના દિવસે થયેલી હિંસામાં પોલીસ પર પથ્થરમારો કરાયો હતો અને કેટલીક બસોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જામિયા હિંસામાં પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ તોફાની તત્વોને રોકવા માટે પોલીસે ટીયરગેસના ૭૫ સેલ છોડ્યા હતા. જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગુજરાતના પણ કેટલાક ભાગોમાં બંધની અસર દેખાઇ હતી. જો કે કોઇ કાર્યક્રમને મંજુરી આપવામાં આવી ન હતી. પટણામાં ટ્રેનો રોકવામાં આવતા તંગદીલી ફેંલાઇ હતી. કેટલીક જગ્યાએ લોકો બંધના કારણે અટવાઇ ગયા હતા.