ઇન્ડોનેશિયામાં આઇએસના આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો અને અહીં આવેલા ચર્ચને નિશાન બનાવ્યા હતા. આતંકીઓએ ત્રણ જુદા જુદા ચર્ચ પર એક બાદ એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં ૧૧ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ૫૦ જેટલા ઘવાયા છે. ઘાયલોમાં ઘણાની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે તેમ સ્થાનિક પ્રશાસને જણાવ્યું હતું. આતંકીઓમાં મહિલા અને બાળકનો પણ સમાવેશ થાય છે.
આઇએસએ નાના બાળકનો પણ ઉપયોગ આત્મઘાતી હમલા માટે કર્યો હતો. આતંકીઓ બાઇક લઇને આવ્યા હતા અને ચર્ચમાં જઇને લોકોની વચ્ચે પોતાને ઉડાવી દીધા હતા. આતંકીઓના નિશાના પર ખ્રીસ્તી ધર્મના લોકો હતા. આ વિસ્ફોટ ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુર્બયામાં થયો હતો.
અહીં સૌથી પહેલા આઇએસના આતંકીઓએ સાન્ટા મારીયા રોમન કેથોલિક ચર્ચને નિશાન બનાવ્યું હતું. પહેલા હુમલામાં ચાર લોકો મોતને ભેટયા હતા. જે પણ લોકો ઘવાયા છે તેમાં પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. થોડી મિનિટો બાદ બીજો વિસ્ફોટ ક્રિશ્ચિયન ચર્ચ ઓફ ડિપોનેગોરોમાં થયો હતો, બાદમાં પાન્ટેકોસ્ટા ચર્ચમાં પણ વિસ્ફોટ થયો હતો.
આમ ગણતરીની મિનિટોમાં જ એક બાદ એક ત્રણ ચર્ચમાં મોટા આત્મઘાતી હુમલામાં ૧૧ લોકો માર્યા ગયા હતા. વર્ષ ૨૦૦૦ બાદ ચર્ચ પર બીજો સૌથી મોટો આતંકી હુમલો છે. ૨૦૦૦માં પણ આવી જ રીતે સિલસિલાવાર હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં પણ ૧૫ જેટલા લોકો માર્યા ગયા હતા. એટલે કે ૧૮ વર્ષમાં બીજી વખત ચર્ચ પર મોટા હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. આ હુમલા પાછળ ખુંખાર આતંકી સંગઠન આઇએસ જવાબદાર છે.