પુલવામા ખાતે સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલો કરીને પાકિસ્તાની ત્રાસવાદીઓ દ્વારા ૪૦ જવાનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ અને ત્યારબાદ ભારત દ્વાર જવાબી કાર્યવાહીરૂપે પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી કેમ્પોને ફુંકી માર્યા બાદ તંગ સ્થિતી બને દેશો વચ્ચે પ્રવર્તી રહી છે. સ્થિતીને હળવી કરવાની વાત પાકિસ્તાનની વડાપ્રધાન કરી રહ્યા છે પરંતુ ભારતની માંગ મુજબ ત્રાસવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાથી ખચકાટ અનુભવ કરી રહ્યા છે. પાકિસ્તાનનુ વર્તન હજુ પણ પહેલા જેવુ રહ્યુ છે. આવી સ્થિતીમાં સંબંધ કઇ રીતે સુધરી શકે છે. વિશ્વાસ નિર્માણના પગલા મામલે ઇમરાન નબળા સાબિત થઇ રહ્યા છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન ભારત સાથે સંબંધ સુધારવા અને ભુતકાળને ભુલી જવા માટેની વાતો કરી રહ્યા છે પરંતુ ભારત જે આધાર પર વિશ્વાસ સાથે આગળ વધવા માંગે છે અને સંબંધ સુધારવા માંગે છે તેમાં પાકિસ્તાન નિષ્ફળ છે.
ભારત વર્ષોથી કહે છે કે તે પાકિસ્તાન સાથે સારા સંબંધ ઇચ્છે છે જો કે પાકિસ્તાન વિશ્વાસ નિર્માણ માટે પહેલા તેની જમીન પર સક્રિય ત્રાસવાદીઓ સામે પગલા લે અને ત્રાસવાદી કેમ્પોનો સફાયો કરે. આ બાબતને લઇને પાકિસ્તાન હમેંશા નિષ્ક્રિય રહ્યુ છે. આવી સ્થિતીમાં તેની સાથે વાતચીત કરવામાં અને સંબંધ સુધારવામાં કોઇ મજા નથી. પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાન પણ ત્રાસવાદના મુદ્દા પર નબળા સાબિત થઇ રહ્યા છે. ભારતની રજૂઆત છતાં ત્રાસવાદના મુદ્દા પર ઇમરાન ખાન કોઇ વાત કરી રહ્યા નથી.ત્રાસવાદનો કઇ ઉલ્લેખ ન કરીને ઇમરાને તેમની નબળાઇને સાબિત કરી છે. ઇમરાનના સારા સંબંધ સ્થાપિત કરવાના સંદેશને પણ શંકાની નજરથી જ જોવામાં આવે છે. આ બાબત યોગ્ય પણ છે. સારા પ્રસંગ પર કાશ્મીરન મુદ્દો ઉઠાવવો અને ત્રાસવાદની કોઇ વાત ન કરવી તેમની નબળાઇને સાબિત કરે છે. પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં સ્થિત શિખોના પવિત્ર સ્થળ કરતારપુર સુધી ભારતીય શ્રદ્ધાળુઓએ સરળતાથી પહોંચી શકે તે માટે સુચિત કોરિડોરને પાકિસ્તાને મંજુરી આપી છે. જે સારા પગલા તરીકે છે. આ પગલુ બંને દેશ વચ્ચે શાંતિ સ્થાપિત કરવાની દિશામાં પહેલ સાબિત થઇ શકે છે.
જોકે આના માટે પાકિસ્તાનને હજુ આગળ વધવાની જરૂર છે. કરતારપુર કોરિડોર એક મોટા પગલા તરીકે છે. જો કે રાજકીય પંડિત માને છે કે જ ઇમરાન ખાન ખરેખર ભારત સાથે સારા સંબંધ ઇચ્છે છે તો સારા પ્રસંગ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવો જઇએ નહીં. જેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. ઇમરાને કોરિડરના પવિત્ર પ્રસંગે પણ કાશ્મીરન મુદ્દો ઉઠાવ્યો હતો. ઇમરાનને આ બાબત દર્શાવવાની જરૂર નથી કે તેમની દેશ સામે માત્ર કાશ્મીર જ એકમાત્ર વિવાદનો વિષય છે. સમગ્ર દુનિયા જાણે છે કે પાકિસ્તાન માટે કાશ્મીર એક મામલો છે. પરંતુ ભારત માટે તેના કરતા મોટો મામલો ત્રાસવાદનો છે. ભારત જે ત્રાસવાદના કારણે પરેશાન છે તે પાકિસ્તાનની કૃપાથી સક્રિય છે. પાકિસ્તાનને સંબંધ સુધારી દેવા માટે સૌથી પહેલા તો કુખ્યાત ત્રાસવાદીઓને જેલ ભેગા કરવા પડશે. નિયમિત રીતે ત્રાસવાદીઓ સામે કાર્યવાહી જારી રાખવી પડશે.